Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રિયાના ભાઇ શૌવિક પર ડ્રગ ટ્રાફિકિંગનો કેસ બનતો નથી

સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો ચુકાદો : શૌવિક માટે મોટી રાહત

મુંબઇ તા. ૯ : સુશાંત સિંહના મોત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ કેસમાં ધરપકડ થઈ હતી. નાર્કોટિકસ બ્યૂરોએ તેના ભાઈને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હાલ બંને ભાઈ-બહેન જામીન પર બહાર છે, ત્યારે સ્પેશિયલ NDPS કોર્ટે પોતાના ઓર્ડરમાં એમ પણ નોંધ્યું છે કે રિયાના ભાઈ શૌવિક પર ડ્રગ ટ્રાફિકિંગનો કેસ નથી બનતો. કોર્ટનું આ નિરીક્ષણ શૌવિક ચક્રવર્તી માટે ખૂબ જ મોટી રાહત સમાન ગણાવાઈ રહ્યું છે.

ડ્રગ ટ્રાફિકિંગ નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એકટની કલમ ૨૭ એ હેઠળ ગુનો બને છે, અને તેમાં જો કોઈ વ્યકિત દોષિત ઠરે તો તેને ૨૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. રિયાના ભાઈની જામીન અરજી ભૂતકાળમાં જેટલી પણ વાર ઠુકરાવાઈ તેમાં તેની વિરૂદ્ઘ ઉમેરાયેલી આ જ કલમ જવાબદાર હતી. તેના લીધે જ તેને ત્રણ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

શૌવિકની નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ ૪ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. સુશાંત સિંહના મોત બાદ તેમાં ડ્રગનો એંગલ બહાર આવતા તેની તપાસ એનસીબીએ શરુ કરી હતી. જેમાં શૌવિક પર સુશાંતને ગાંજો સપ્લાય કરવાનો આરોપ લગાવાયો હતો.

રિયાના ભાઈની જામીન અરજી મંજૂર કરતા સ્પેશિયલ કોર્ટના જજ જીબી ગુરાવે નોંધ્યું હતું કે આરોપી ગુનેગાર નથી તેવું માનવાને કોર્ટ સમક્ષ પૂરતા કારણ રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં કલમ ૨૭ એ લાગુ પડતી નથી. વળી, શૌવિકને જામીન આપતી વખતે કોર્ટે રિયાને બોમ્બે હાઈકોર્ટે આપેલા જામીન વખતનો ચુકાદો પણ ધ્યાને લીધો હતો.

બોમ્બે હાઈકોર્ટે રિયાને ૭ ઓકટોબરના રોજ જામીન આપ્યા હતા. પોતાના ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે રિયાએ સુશાંત માટે ગાંજો ખરીદવા માટે રૂપિયા ચૂકવ્યા હતા, તેનો મતલબ એમ ના કાઢી શકાય કે તે ડ્રગના વેપારને ફાઈનાન્સ કરતી હતી. શૌવિકના કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે આરોપીને અનુજ કેશવાણી પાસેથી મળેલા ડ્રગના જથ્થા સાથે કોઈ લેવાદેવા નથી.

(3:18 pm IST)