Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

હૈ પ્રિત, જહાં કી રીત સદા.. વો ભારત કી બાત સુનાતા હું...!

ભારત દેશમાં આવી ચડેલી બે બહેનોને આર્મી જવાનોએ પકડી પરત પાકિસ્તાન ઘરે પહોંચાડી !!!

રાજકોટ : ભારતીય સેનાને સલામ આપવા જ પડે તેવા નફરત, વિરોધ, શંકાને આક્ષેપોના નેગેટિવ સમાચારોની ગરમાગરમી વચ્ચે ગુલાબી ટાઢક જેવા એક સમાચાર દટાઇ ગયા છે.

બન્યું એવું કે ૧૭ વર્ષની લાઈબા ઝુબૈર ને એની ૧૩ વર્ષની નાની બહેન સના ઝુબૈર પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીરમાં રહે છે. બે પત્નીઓ કરનાર એમનો બાપ થોડા મહિનાઓ પહેલા ગુજરી ગયો પછી ગરીબી આંટો લઈ ગઈ એવા ઘરમાં કંકાસ થતો. એમાં માઠું લાગતા બે ય તરૂણીઓએ ઘર છોડી દીધું. રઝળપાટમાં ખોરાક શોધતા ભારતની સરહદમાં પ્રવેશી ગઈને કાશ્મીરમાં મુસ્તૈદીથી તૈનાત ઇન્ડિયન આર્મીના જવાનોએ પકડી બન્નેને લીધી.

બેઉ ટીનેજર છોકરીઓ ભયથી ફફડી ઉઠી. દુશ્મન દેશના જવાનોના હાથમાં હતી. હવેની કલ્પના કરીને કંપારી છૂટી જાય. પુરૂષ જવાનો જ હતા બધા મારી નાખશે ? એમની ખબર પૂછવા આમે ય કોણ આવે ? જાસૂસ ઠેરવી આજીવન જેલમાં નાખશે ? ઢોર માર મારશે ?આંખોમાં આંસુ તગતગી ગયા.

પણ આ ભારતીય સેના હતી, ઇન્ડિયન આર્મીએ હકીકત જાણી એમને શાંત કર્યા. હાથ અડાડવાની વાત તો દૂર. પહેલા તો પેટ ભરીને બેઉ બહેનોને જમાડી. આરામ કરાવ્યો. માસ્ક આપ્યા. પછી પાકિસ્તાની આર્મીનો સંપર્ક કરી ગામની ભાળ મેળવી. આર્મીના જવાનો જ બોર્ડર પર જઈને બેઉને પાકિસ્તાની ફૌજી અફસરોને સોંપી આવ્યા ને બે ય દીકરીઓને મજાની ગિફ્ટસ ને સ્વીટ્સ પણ પાછા વળાવતા મોટા બોકસ ભરીને આપી !

હવે ઘર સહીસલામત પહોંચી ગઈ છે. ને મોટી બહેનનો તો વિડીયો જ છે જેમાં એણે ભારતીય સેનાનો ઓન કેમેરા આભાર માન્યો છે. મારની બીક હતી ત્યાં મીઠાઈઓ મળી એમ કહ્યું છે.

ઘેર બેઠા કીપેડ પર ટકાટકી કરી હાલતા ને ચાલતા રાજકારણ ને ધર્મના નામે પોતાને સુપરનેશનલને બાકીના બધાને એન્ટીનેશનલનું સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હોંશીલા હુડદંગીઓથી ભારત મહાન નથી. આ છે ભારતની મહાન ફૌલાદી સેનાનું મહાનતમ જીગર. ખોટા સામે શૌર્ય ને સાચા સામે પ્રેમની સનાતન ધારા.

આજની સલામ ઇન્ડિયન આર્મીમાં એ જવાનોને. વાઇરસ આવે ને જાય. પણ વીરરસ આ છે. નિર્દોષને અભય ને વ્હાલનો વિશ્વાસ હોય એ ભારતભૂમિના સંસ્કાર છે તેમ સલીમ બાંભણીયાએ સર્ચ કરેલા એક અહેવાલમાં જણાવ્યું છે.

(3:15 pm IST)