Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

પીએફ ખાતામાં એક સાથે વ્યાજ સાડા આઠ ટકા અપાશે

બજારમાં તેજીના કારણે ત્રણ મહિના પહેલા લગાવાયેલા અંદાજ કરતા ઇપીએફઓને બમણી રકમ મળી છે

નવી દિલ્હી તા. ૯ : ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને તેમના ભવિષ્ય નિધી ખાતા (ઇપીએફ)માં જમા રકમ પર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૮.૫ ટકા વ્યાજ ટુંક સમયમાં એક સાથે મળી જશે. શેરબજારમાં જોરદાર તેજી વચ્ચે ઇપીએફઓએ શેરોમાં રોકાણથી ભારે નફો મેળવ્યો છે અને ડીસેમ્બરમાં તેને આશાથી પણ વધારે રિટર્ન મળ્યું છે. ઇપીએફઓના એક સીનીયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, બજારમાં તેજીના કારણે ત્રણ મીહના પહેલા લગાવાયેલા અંદાજ કરતા ઇપીએફઓને બમણી રકમ મળી છે.

આનાથી ઉત્સાહિત થઇને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે નાણા મંત્રાલયને લગભગ ૧૯ કરોડ ઇપીએફઓ ખાતામાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૮.૫ ટકા વ્યાજ એકવારમાં જમા કરવા માટે પત્ર લખ્યો છે. આ અંગે એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયની ભલામણ અત્યારે વિચારાધીન છે અને નાણા મંત્રાલય એક સપ્તાહમાં તેને મંજુરી આપી શકે છે. શ્રમ મંત્રાલયે એક વારમાં વ્યાજ ખાતામાં નાખવાનો પ્રસ્તાવ આપ્યો છે.

સપ્ટેમ્બરમાં જ્યારે ઇપીએફઓએ બે હપ્તામાં વ્યાજ જમા કરાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેની પાસે ૫૦૦ કરોડ રૂપિયા હતા. અધિકારીએ કહ્યું કે, ઇટીએફમાં રોકાણથી એટલું જોરદાર રિટર્ન મળ્યું છે કે અમે ઉપભોકતાઓને ૮.૬૦ ટકા વ્યાજ આપી શકીએ તેમ છીએ પણ ઇપીએફઓ બોડીએ આ વર્ષે ૮.૫૦ ટકા વ્યાજ દેવાનો નિર્ણય કર્યો હોવાથી અમે અત્યારે એટલું જ વ્યાજ આપીશું.

(3:14 pm IST)