Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

જાન્યુઆરી બાદ દરમહિને કોરોનાની ૧૦ કરોડ વેકિસન બનાવશે સિરમ ઇન્સ્ટીટયુટ

સૌથી પહેલા ભારત અને ભારતીયોને મળશે વેકિસનઃ પુનાવાલા

નવી દિલ્હી, તા.૯: વિશ્વમાં સૌથી મોટી વેકિસન-નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેકિસન-કોવિશીલ્ડના સપ્લાઈ-કોન્ટ્રેકટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની અપ્રૂવલ માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની અપ્રૂવલની પ્રોસેસ પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેકિસનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે.

SSIના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેકિસનનો એક ડોઝ ભારતના પ્રાઈવેટ બજારમાં રૂ.૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાઇ ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેકિસનની કિંમત ૩ ડોલર અથવા રૂ.૨૨૫થી ૨૫૦ રાખશે. પૂનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોકસ સૌથી પહેલા ભારતમાં વેકિસન સપ્લાઇ કરવાનું રહેશે.

ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેકિસને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માગી છે. જોકે એ વેકિસનના એક ડોઝની કિંમત રૂ.૧૪૫૦ના આસપાસ હોવાની શકયતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાઇ ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી બાજુ, સ્વદેશી વેકિસન કોવેકિસન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેકિસન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની અપ્રૂવલ માગી છે. આ વેકિસનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેકિસનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શકયતા છે.

(3:13 pm IST)