Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સેન્સેક્સમાં ૪૯૫, નિફ્ટીમાં ૧૩૬ પોઈન્ટનો ઊછાળો

વિદેશી ભંડોળના સતત પ્રવાહથી બજારમાં તેજી : સેન્સેક્સ પ્રથમ વખત ૪૬,૦૦૦ની સંખ્યાને વટાવી ગયો, નિફ્ટીએ ૧૩,૫૦૦નો આંક પાર કર્યો : રોકાણકારો ખુશ

મુંબઈ, તા. ૯ : બુધવારે વિદેશી ભંડોળના સતત પ્રવાહ અને સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે સેન્સેક્સ ૪૯૫ પોઇન્ટના ઉછાળા સાથે પ્રથમ વખત ૪૬,૦૦૦ પોઇન્ટના આંકને પાર કરી ગયો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સે દિવસના કારોબાર દરમિયાન ૪૬,૧૬૪.૧૦ પોઇન્ટની નવી ટોચ પર પહોંચ્યો. સેન્સેક્સ અંતે ૪૯૪.૯૯ પોઇન્ટ અથવા .૦૯ ટકાના વધારા સાથે ૪૬,૧૦૩.૫૦ પોઇન્ટના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો. રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૩૬.૧૫ પોઇન્ટ અથવા .૦૨ ટકાના વધારા સાથે ૧૩,૫૨૯.૧૦ પોઇન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન તે ૧૩,૫૪૮.૯૦ ની ઓલટાઇમ ઉચ્ચ સપાટીને પણ સ્પર્શ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એશિયન પેઇન્ટ્સના શેરમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે. કોટક બેંક, એક્સિસ બેક્ન, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસી પણ નફાકારક હતા.

બીજી તરફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, મારુતિ, એસબીઆઇ અને બજાજ ઓટોમાં ઘટાડો થયો છે. રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ-સ્ટ્રેટેજી વિનોદ મોદીએ જણાવ્યું હતું કે, આજે સ્થાનિક બજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ પર બંધ થયા છે. વૈશ્વિક બજારોમાં મજબૂત વૃદ્ધિને પગલે સ્થાનિક બજારોમાં પણ વધારો થયો. હોંગકોંગમાં હેંગસેંગ, દક્ષિણ કોરિયામાં કોસ્પી અને જાપાનની નિક્કી એશિયાના અન્ય બજારો લાભમાં રહ્યા હતા. ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો થયો. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો નફામાં હતા. દરમિયાન, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો .૯૬ ટકા વધીને ૪૯.૩૧ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ત્રણ પૈસા વધીને ૭૩ ૭૩. (પ્રોવિઝનલ) પર પહોંચી ગયો છે.

બીએસઈ સેન્સેક્સની વાત કરીએ તો, આજે સૌથી વધુ ઉછળનારા શેર્સમાં એશિયન પેઈન્ટ્સ, કોટક બેંક, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, એક્સિસ બેંક, રિલાયન્સ અને આઈટીસી ટોચ પર રહ્યા હતા. આઈટીસીના શેરે આજે ૨૦૦ રુપિયાની સપાટી વટાવી હતી અને તે ૨૦૫ રુપિયાના સ્તરે બંધ આવ્યો હતો. ઉપરાંત, એચયુએલ, ઈન્ડસિન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એલએન્ડટી, એચસીએલ અને ટીસીએસ પણ વધ્યા હતા.. બેંક, આઈટી અને એફએમસીજી શેર્સમાં આજે લેવાલી જોવા મળી હતી તો બીજી તરફ મેટલ અને ઓટો શેર્સમાં આજે નબળાઈ દેખાઈ હતી. આજે ઘટનારા નિફ્ટી શેર્સમાં હિન્દાલ્કો, શ્રીસિમેન્ટ, અલ્ટ્રાટેક, મારુતિ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો ટોચ પર રહ્યા હતા.

(9:01 pm IST)