Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સ્કુલ બેગ હળવી થશે : ધો. ૨ સુધી હોમવર્ક નહિ

શિક્ષણ મંત્રાલયે નવી સ્કુલ બેગ પોલીસી હેઠળ સ્કુલ બેગનું વજન વિદ્યાર્થીના વજનના ૧૦ ટકા પર નક્કી કર્યું : ધો. ૩ થી ૬ માટે સાપ્તાહિક ૨ કલાકનું હોમવર્ક : ધો. ૭ થી ૮ માટે રોજ ૧ કલાક તથા ધો. ૯ થી ૧૨ માટે મહત્તમ ૨ કલાકનું હોમવર્ક રહેશે : શાળામાં સ્કુલ બેગના વજનનું મશીન રાખવું પડશે

નવી દિલ્હી તા. ૯ : એકબાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હવે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓને ભણવાની સાથો સાથ નાસ્તા-પાણીની પણ સ્કૂલોએ વ્યવસ્થા કરવાની કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ગાઈડ લાઈન બહાર પાડી છે. આ પોલીસી અંતર્ગત સ્કૂલ બેગ પોલીસીમાં સ્કૂલ અને વાલીઓની મહત્વની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ધો.૧ થી ૧૦ સુધીના છાત્રોને સ્કૂલ બેગ છાત્રના કુલ વજનના ૧૦ ટકાથી વધુ વજનની બેગ ન હોવી જોઈએ અને જયારે પ્રિ-પ્રાઈમરી છાત્રો માટે કોઈ બેગ જ નહીં રહે. આ ઉપરાંત શાળાઓમાં મધ્યાહન ભોજન સ્કૂલોએ આપવાનું રહેશે અને સ્વચ્છ પાણીની પણ વ્યવસ્થા કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં નિયમીત ધોરણે બેગના વજનની દેખરેખ પણ સ્કૂલોએ રાખવાની રહેશે. જેમાં વજનનું ખાસ મહત્વ રહેશે. બન્ને ખભ્ભા પર વિદ્યાર્થીને સરળતાથી દફતર રહી શકે તેવી વ્યવસ્થા વાલીઓએ કરવાની રહેશે. એનસીઈઆરટી દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સર્વેક્ષણ અને અભ્યાસના આધારે ૨૯૯૨ વાલીઓની ભલામણો આવી હતી અને તેના વિશ્લેષણ બાદ નવી બેગ પોલીસી જાહેર કરવામાં આવી છે. સ્કૂલ બેગ ૨૦૨૦ પોલીસી અંતર્ગત કેન્દ્રીય મંત્રાલય દ્વારા ૧૧ ભલામણો કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને શાળામાં જ મધ્યાહન ભોજન આપવું પડશે જેથી છાત્રોએ લંચ લઈને આવવું ન પડે અને આ ઉપરાંત વોટર બોટલના બદલે છાત્રો માટે શાળામાં જ સ્વચ્છ પાણીની પણ વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત બાળકોને સ્કૂલો દ્વારા જ પાઠ્ય પુસ્તકનો ડબલ સેટ પુરો પાડવામાં આવશે. પુસ્તકો અને અન્ય વસ્તુઓ સ્ટોર કરવા શાળાઓમાં લોકરની સુવિધા પણ ઉભી કરવાની રહેશે. નીતિમાં એ પણ સુચન કરવામાં આવ્યું છે કે, પ્રિ-પ્રાઈમરીના વિદ્યાર્થીને કોઈપણ બેગ નહીં રહે. વર્ગ ૧ અને વર્ગ ૨ના વિદ્યાર્થી માટે ૧.૬ થી લઈ ૨.૨ કિલોની બેગ જ હોવી જોઈએ. જયારે ધો.૩ થી લઈ ૫ના વિદ્યાર્થીઓ માટે ૧.૭થી ૨.૫ કિલો, ૨ કિલો થી ૩ કિલો, ૨.૫ કિલો થી ૪ કિલો, ૨.૫ કિલોથી ૪.૫ કિલો અને ૩.૫ કિલો થી ૫ કિલોનું જ બેગ હોવું જોઈએ અને આ ધો.૧૦ સુધીના વિદ્યાર્થીને લાગુ પડશે. આ ઉપરાંત વર્ગ ૧ અને ૨ના વિદ્યાર્થીઓને ઘરે હોમવર્ક આપવાનું નહીં રહે અને ધો. ૩ થી ૬ માટે સાપ્તાહિક ૨ કલાકનું હોમવર્ક, ધો. ૭ થી ૮ માટે રોજ ૧ કલાક તથા ધો. ૯ થી ૧૨ માટે મહત્તમ ૨ કલાકનું હોમવર્ક રહેશે. તેમજ શાળામાં સંચાલકોએ સ્કુલ બેગના વજનનું મશીન રાખવું પડશે.

(2:59 pm IST)