Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કોરોનાના દર્દીઓના ઘર બહાર પોસ્ટર ન લગાડો

કોરોના ગાઇડ લાઇન્સ મુજબ સ્ટિકર લગાડવાની જોગવાઇ અગાઉ પણ ન હતી : સુપ્રિમ કોર્ટ : ઘરની બહાર પોસ્ટ લગાવ્યા પછી તેમની સાથે ગેરવર્તૂણક જેવું લાગે છે : વધુ સુનાવણી કાલે

નવી દિલ્હી તા. ૯ : હાલ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાગ્રસ્ત પેશન્ટના ઘરના દરવાજા ઉપર કોરોનાનું બોર્ડ મારી દેવાતાં જેતે પરિવારની મુસીબત વધી જતી હતી ત્યારે આવા બોર્ડ નહિ મારવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિગતો મુજબ અત્યાર સુધી કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવતું હતું કે, આ વિસ્તાર કોરોનાગ્રસ્ત છે, તેનાથી અંતર જાળવવું. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીમાં કહ્યું છે કે, હવે કોઈ પણ રાજયમાં આ પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર કોઈ સ્ટીકર લગાવવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ નહતી, અત્યારે પણ નથી. આમ હવેથી આવા બોર્ડ નહિ લાગે તેમ જાણવા મળ્યું છે.

કોરોના કાળમાં કોરોના સંક્રમણને રોકવા માટે પ્રશાસન તરફથી દરેક પ્રકારના સંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે લોકો કોરોના સંક્રમિત જોવા મળે તેમના ઘરની બહાર એક કાગળ પણ લગાવવામાં આવે છે. જેમાં એ માહિતી આપવામાં આવે છે કે ઘરમાં કોરોના સંક્રમિત વ્યકિત છે. પરંતુ પ્રશાસનના આ પગલાં માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે મહત્વનો ચુકાદો સંભળાવીને કહ્યુ કે રાજય સરકારમાં પ્રશાસન કોરોના દર્દીના ઘરો પર આ રીતનુ કાગળ લગાવવુ નહિ. કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે દર્દીની ઓળખના કાગળને સાર્વજનિક કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યુ કે જયાં સુધી સક્ષમ અધિકારી સાથે આ બાબતે કોઈ નિર્દેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી ઘરની બહાર કાગળ ચિપકાવવો નહિ.

(2:58 pm IST)