Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે એનસીબીએ ડ્રગ ડીલર રીગલ મહાકાલની ધરપકડ કરી:ઊંડી પૂછપરછ

મહાકાલના અંધેરીના મિલાત નગર અને લોખંડવાલામાં એનસીબીને મોટી માત્રામાં ડ્રગ્સ અને વિદેશી ચલણ મળ્યું .

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં, બુધવારે સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ડ્રગ ડીલર રીગલ મહાકાલની ધરપકડ કરવામાં આવી હતી. મહાકાલના અંધેરીના મિલાત નગર અને લોખંડવાલા માં એનસીબી ને મોટી માત્રામાં ડ્રગ્સ અને વિદેશી ચલણ મળી આવ્યુ છે.

નોંધનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત મોત મામલે ડ્રગ કનેક્શન બાદ એનસીબી દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. આ અગાઉ એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળ, ડ્રગ પેડલર અનુજ કેશવાણીની ધરપકડ કરવામાં આવી હતી. કેશવાણીના કહેવા પર ડ્રગના વેપારી રીગલ મહાકાલનુ નામ બહાર આવ્યુ હતુ, પરંતુ તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. રીગલ મહાકાલની બાતમી મળતાં, સમીર વાનખેડેની આગેવાની હેઠળની એનસીબી ટીમે બુધવારે સવારે, તેના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એનસીબીએ રીગલના ઘરેથી મોટી માત્રામાં ડ્રગ અને વિદેશી ચલણ પણ મળી આવ્યુ છે. એનસીબી રીગલ મહાકાલને ઓફિસમાં લાવી રહી છે, અને તેની ઊંડી પૂછપરછ કરી રહી છે.

એનસીબી સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ કનેક્શનની તપાસ કરતી વખતે, અત્યાર સુધીમાં ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી સહિત ડઝનેક ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. તેવી જ રીતે એનસીબીએ આ કેસમાં ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, દીપિકા પાદુકોણ, ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ વગેરેની પણ પૂછપરછ કરી છે. આ મામલાની હજુ પણ સઘન તપાસ ચાલી રહી છે.

(1:34 pm IST)