Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

બધા નાગરિકો હિન્દી અથવા ઈંગ્લીશ જાણે છે તેવી અપેક્ષા રાખી શકાય નહીં : કેન્દ્ર સરકાર દ્વારા પ્રસારિત કરાતી પર્યાવરણ સુરક્ષાને લગતી સૂચનાઓ જે તે રાજ્યની માતૃભાષામાં પ્રસિદ્ધ થવી જોઈએ : માત્ર હિન્દી કે ઇંગ્લીશમાં સૂચનાઓ આપવાથી તેનો હેતુ સરતો નથી : કન્યાકુમારીમાં વન વિભાગની 10 કિલોમીટર જેટલી જગ્યામાં ખાણો ખોદવાની મંજૂરી સામે જાહેર હિતની અરજી : મદ્રાસ હાઇકોર્ટે મંજૂરી અટકાવી

મદ્રાસ : કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાતી  પર્યાવરણ સુરક્ષાને લગતી સૂચનાઓ જે તે રાજ્યની માતૃભાષામાં પ્રસારિત થવી જોઈએ.બધા નાગરિકો હિન્દી અથવા ઈંગ્લીશ ભાષા જાણે છે તેવી અપેક્ષા કેન્દ્ર સરકાર રાખી શકે નહીં. જો જે તે રાજ્યની માતૃભાષામાં સૂચના પ્રસારિત ન થાય તો તેનો હેતુ સરતો નથી.તેવું મંતવ્ય તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે વ્યક્ત કર્યું છે.

કન્યાકુમારી વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલેકે વન વિસ્તારની 3 થી 10 કિલોમીટર જેટલી જગ્યા ઓછી કરવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટિસ પ્રાદેશિક ભાષામાં પ્રસિદ્ધ થઇ ન હોવા સામે  કરાયેલી  જાહેર હિતની અરજીના અનુસંધાને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંતર્ગત નામદાર કોર્ટએ ઉપરોક્ત મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

પિટિશનમાં જણાવાયા મુજબ 21 ફેબ્રુઆરી 2020 ના રોજ કન્યાકુમારી વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલેકે વન વિસ્તારની 3 થી 10 કિલોમીટર જેટલી જગ્યા ઓછી કરવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટિસ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થઇ હતી.તથા કોઈને વાંધો હોય તો 2 મહિનામાં રજુઆત કરવા જણાવાયું હતું.પરંતુ આ નોટિસ પ્રાદેશિક ભાષામાં પ્રસિદ્ધ થઇ ન હોવાથી વાંધો લઇ શકાયો નહોતો.તેમજ બાદમાં કોવિદ -19 ના સંજોગોને કારણે લોકડાઉન હોવાથી  વિરોધ વ્યક્ત કરવાની કોઈને તક મળી નહોતી .

જેના અનુસંધાને નામદાર કોર્ટએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે જયારે સમગ્ર સમાજને અસર કરતી પર્યાવરણને લગતી બાબત અંગે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય ત્યારે તે રાષ્ટ્રીય કક્ષાના અખબારમાં પ્રસિદ્ધ કરવા ઉપરાંત એક સ્થાનિક ભાષામાં પ્રસિદ્ધ થતા અખબારમાં આપવી જોઈએ.જેથી સ્થાનિક લોકોના ધ્યાનમાં આવી શકે.

આથી નામદાર કોર્ટએ ફેબ્રુઆરી માસમાં પ્રસિદ્ધ થયેલી નોટિસના આધારે કન્યાકુમારીના 10 કિલોમીટર સુધીમાં આપવામાં આવેલી ખાણ માટેની ખોદકામની મંજૂરી અટકાવી દેવાનો અને વન વિસ્તાર યથાવત જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(1:26 pm IST)