Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મુંબઈ :લાલબાગ ગેસ સિલિન્ડર અકસ્માત :મંડપ ડેકોરેટર પર હત્યાનો ગુન્હો દાખલ

બંને આરોપી સારવાર હેઠળ : હોસ્પિટલ છોડતા જ પોલીસ બંનેની ધરપકડ કરશે.

મુંબઈ : કાલા ચોકી પોલીસ મથકે, લાલબાગ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાના કેસમાં, મંડપ ડેકોરેટર મંગેશ રાણે અને તેના પુત્ર યશ રાણે સામે, હત્યાનો ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓની હાલ કેઇએમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ છોડતા જ પોલીસ બંનેની ધરપકડ કરશે. આ અકસ્માતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ, બંને મૃતકો માટે બે લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેક 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

સ્થાનિક ધારાસભ્ય અજય ચૌધરીએ, મુખ્યમંત્રી પાસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાયની માંગણી કરી હતી. આ કારણોસર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૃતકોના સગાઓને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 50-50 હજાર રૂપિયાનુ આર્થિક વળતર આપવાનુ નક્કી કર્યું છે. મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે,' તમામ ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ મુંબઈ મહાનગરપાલિકા ઉઠાવશે.'

પોલીસના જણાવ્યા મુજબ, લાલબાગ વિસ્તારમાં રવિવારે સવારે ગણેશ ગલીમાં આવેલા સારાભાઇ બિલ્ડિંગમાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આ ઘટનામાં ઘાયલ 16 લોકોને તાત્કાલિક કેઇએમ અને મસિના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ લોકોમાંથી બે લોકોનાં મોત નીપજ્યાં છે, અને 14 હજુ સારવાર હેઠળ છે. સારાભાઇ બિલ્ડિંગમાં રહેતા મંગેશ રાણેનો મંડપ ડેકોરેટરનો ધંધો છે. મંગેશના ઘરે લગ્ન સમારોહમાં ભાગ લેવા તેમના સંબંધીઓ રવિવારે આવી પહોંચ્યા હતા. રવિવારે સવારે સિલિન્ડરમાં લિકેજ થતાં, તમામ સબંધીઓ દોડવા લાગ્યા, પરંતુ અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો. આ ઘટનાની પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું છે કે, ગેસ લિકેજ થયા બાદ મંડપ ડેકોરેટર મંગેશ અને તેના પુત્ર યશે બેદરકારીથી વર્તી હતી. જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ કારણોસર બુધવારે કાલાચોકી પોલીસ સ્ટેશનમાં, બાપ-દિકરા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

(1:18 pm IST)