Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મિસ્ત્રી પરિવાર ૧.૭૮ લાખ કરોડનો દાવો કરે છે

ટાટા સન્સમાં મિસ્ત્રી પરિવારનો હિસ્સો ૭૦ થી ૮૦ હજાર કરોડ

મુંબઇ તા. ૯: ટાટા ગ્રુપનું અનુમાન છે કે ટાટા સન્સમાં મિસ્ત્રી પરીવારની ૧૮.૪ ટકા ભાગીદારીનું મૂલ્ય ૭૦ થી ૮૦ હજાર કરોડ રૂપિયા છે, જયારે મિસ્ત્રી પરિવાર ૧.૭૮  લાખ કરોડ રૂપિયાનો દાવો કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ગઇકાલે સુનાવણી દરમ્યાન ટાટા સન્સના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે મિસ્ત્રી પરિવારના શેરોની કિંમત ૭૦ થી ૮૦ હજાર કરોડ રૂપિયા છે અને ટાટા સન્સના કોઇ સભ્ય ગ્રુપની બીજી કોઇ કંપની પર આક્ષેપ નથી કરી શકતો.

ટાટા સન્સ તરફથી પેરવી કરતા સાલ્વેએ કહ્યું કે ટાટા ગ્રુપને તેના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ શાનદાર રીતે ચલાવ્યું હતું અને ૧૯૯૧ થી ર૦૧ર સુધી તેમના કાર્યકાળ દરમ્યાન ટાટાનું બજાર પુંજીકરણ પ૦૦ ગણું વધ્યું હતું. સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે જયારે પ૦૦ ટકા વૃધ્ધિ થઇ છે તો કેટલીક પરીયોજનાઓ સફળ થઇ હશે અને કેટલીક નિષ્ફળ તેમણે કહ્યું કે ફકત કેટલાક ધંધાઓ ખોટમાં હોય તેનો અર્થ એ નથી કે ટાટા સન્સમાં ગેરવહીવટ છે.સુપ્રીમ કોર્ટ ટાટા સન્સ તરફથી ગયા વર્ષે ડીસેમ્બરમાં એનસીએલટીના આદેશ વિરૂધ્ધ કરાયેલ અરજીની સુનાવણી કરી રહી છે. એનસીએલટીએ પોતાના આદેશમાં સાઇરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ચેરમેન તરીકે બહાલ રાખ્યા એટલું જ નહીં પણ મિસ્ત્રીના ઉત્તરાધિકારી એન. ચંદ્રશેખરનની નિયુકિતને પણ ગેરકાયદેસર જાહેર કરી હતી.

(11:31 am IST)