Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

જમ્મુ - કાશ્મીર : પુલવામામાં એન્કાઉન્ટર : ૨ આતંકવાદી ઠાર

સુરક્ષા દળોને ટિકેન ગામમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મળી હતી : સર્ચ ઓપરેશન દરમિયાન થયું એન્કાઉન્ટર

શ્રીનગર તા. ૯ : જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ટિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ૨ આતંકવાદી ઠાર મરાયા છે. ફાયરિંગમાં એક સ્થાનિક વ્યકિત પણ ઘાયલ થયો છે.

સુરક્ષા દળોને ટિકેન ગામમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાની ૫૫ આરઆર, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવામાં પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. હાલ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

આ પહેલા જમ્મુ અને કાશ્મીરના નગરોટામાં નાકા પર સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદના ૪ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મૂળે, સુરક્ષા દળોને બાન ટોલ પ્લાઝાની પાસે ચેકપોસ્ટ ઊભી કરી હતી. વાહનોની તપાસ દરમિયાન આતંકવાદીઓના એક સમૂહે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ બાદ આતંકવાદી જંગલની તરફ ભાગવા લાગ્યા. પછી એન્કાઉન્ટર શરૂ થયું જેમાં ૪ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, નરગોટામાં પહેલા ૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મેજ પંપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર બીજા દિવસ સવાર સુધી ચાલ્યું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. બીજી તરફ એકને સરેન્ડર કરવા માટે મજબૂર પણ કર્યો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન બે સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું મોત થયું હતું.

(11:20 am IST)