Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાએ આજે ૭નો ભોગ લીધોઃ બપોર સુધીમાં ૩૬ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૧૧,૭૪૦એ પહોંચ્યોઃ ગઇકાલે ૯૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા આજ દિન સુધીમાં ૧૦,૭૦૦ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૧.૪૨ ટકા થયો : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૫ પૈકી એક મૃત્યુ જાહેરઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૧૮ બેડ ખાલીઃ શહેરમાં ૬૦ અને જીલ્લામાં ૩૧૯માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે.

રાજકોટ, તા. ૯: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્યારે આજે ૭ દર્દીઓનાં મોત થયા  છે. શહેરમાં બપોર સુધીમાં ૩૬ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી   એક મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૮નાં સવારે ૮ વાગ્યાથી તા.૯ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૭ દર્દીઓનાં મૃત્યુ થયાં હતા.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૮૧૮ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

શહેરમાં ૬૦ અને જીલ્લામાં ૩૧૯ માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૩૬ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧,૭૪૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૦,૭૦૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૨.૫૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૬૭૧સેમ્પલ લેવાયા હતા. જેમાં ૮૮ કેસ નોંધાતા પોઝિટિવ ૨.૩૯ રેટ  ટકા થયો  હતો. જયારે ૯૪ દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૪,૬૭,૬૦૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૦  ટકા થયો છે.

નવા ૯ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે વૈશાલીનગર-આમ્રપાલી ફાટક પાસે, ગોપાલ નગર-ગાયત્રીનગર મેઇન રોડ, રેસકોર્ષ પાર્ક- એરપોર્ટ રોડ, મારૂતીનગર-એરપોર્ટ રોડ, ઉદય નગર- મવડી રોડ, ગંજીવાડા- ચુનારાવાડ ચોક, ધરમ નગર- ગાંધીગ્રામ, ન્યુ અંબિકા પાર્ક- સાધુ વાસવાણી રોડ, ગીતાનગર-ઢેબર રોડ   વગેરે  સહિતના નવા ૯ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૬૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે. 

(2:57 pm IST)