Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સરકાર પ્રસ્તાવ આપશેઃ ખેડૂતો ઘડશે રણનીતિ

ખેડૂત આંદોલનઃ સરકાર અને ખેડૂતો વચ્ચે મોડી રાત સુધી યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યુ નથીઃ કૃષિ કાયદા પરત ખેંચવા સરકારનો ઈન્કારઃ આજે આપશે સંશોધિત પ્રસ્તાવઃ સરકારના પ્રસ્તાવ બાદ ખેડૂતો આંદોલનની દિશા અને દશા નક્કી કરશેઃ આજે આંદોલન કઈ તરફ જશે ? તેની તસ્વીર સ્પષ્ટ થશે

નવી દિલ્હી, તા. ૯ :. કૃષિ કાનૂનને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલો ટકરાવ સમાપ્ત થતો નજરે નથી પડતો. ગઈકાલે મોડી રાત્રી સુધી ખેડૂતો સાથે ચાર કલાકની વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહ તેઓને મનાવવામાં નિષ્ફળ નિવડયા હતા. ખેડૂતો આજે સિંધુ બોર્ડર પર સરકારના પ્રસ્તાવને લઈને બેઠકો યોજશે. તે પછી તેઓ પોતાની આગળની રણનીતિ તૈયાર કરશે. એવુ જાણવા મળે છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ વાતચીત નહિ થાય. ખેડૂતોનું આંદોલન હવે કઈ દિશામાં આગળ વધશે તેનો ફેંસલો આજે થઈ શકે છે. ગઈકાલે શાહ સાથેની બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ હતુ સરકારના લેખીત પ્રસ્તાવ પર ચર્ચા બાદ જ આગળના પગલા વિશે નિર્ણય લેવાશે.

ગઈકાલે લગભગ મોડી રાત્રે બેઠક બાદ અખીલ ભારતીય કિશાન સભાના મહામંત્રી હનાન મોલ્લાહએ કહ્યુ હતુ કે અમિત શાહે કહ્યુ છે કે સરકાર જે સંશોધનોના પક્ષમા છે તેને આજે લેખીતમાં આપશે. અમે લેખીત સંશોધનોને લઈને ચર્ચા કરી એ અંગે નિર્ણય લેશું. બેઠકમાં સામેલ કિશાન નેતા દર્શન પાલે કહ્યુ હતુ કે અમારી માંગણીઓને લઈને સરકારે આજે પ્રસ્તાવ આપવાનુ નક્કી કર્યુ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે આજે કોઈ બેઠક નહિ યોજાય. ગૃહમંત્રીએ ખેડૂતોને સ્પષ્ટ કહ્યુ હતુ કે નવા કૃષિ કાનૂન પાછા નહિ ખેંચાય જો કે તેમને સંશોધન પર વિચાર કરવા જણાવ્યુ હતું. અત્રે એ નોંધનીય છે કે ગઈકાલે મોડી રાત્રી સુધી ચાલેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યુ નહોતું.

ખેડૂતોનું આંદોલન કઈ તરફની દિશા લેશે ? એ બાબતની તસ્વીર સ્પષ્ટ થઈ છે. સરકાર ખેડૂતોની સ્પષ્ટતા કાનૂન પાછા લેવાના પક્ષમાં નથી પરંતુ તે એક પ્રસ્તાવ આપવાની તૈયારીમાં છે. હવે આવતીકાલે બેઠક યોજાઈ તેવી શકયતા છે. આજે ૧૪મા દિવસે પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ખેડૂતો દિલ્હીની સરહદે બેઠા છે.

ગઈકાલે અમિત શાહ સાથે બેઠકનું કોઈ પરિણામ આવ્યુ નહોતું. સરકાર કૃષિ કાનૂનોને પરત લેવા માટે તૈયાર નથી. ખેડૂતોની માંગ મુજબ સરકાર કાનૂનમાં ફેરફાર કરવા તૈયાર છે. જેનો પ્રસ્તાવ આજે મોકલવામાં આવશે.

(10:20 am IST)