Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રેપના આરોપીઓને ૨૦ વર્ષની સજાઃ ચાર વર્ષની બાળકીનું નિવેદન બન્યું મહત્વનો પુરાવો

કોર્ટે કહ્યું કે, બાળકી આરોપીને દાદા (મોટો ભાઈ) કહેતી હતી અને આરોપીએ તેનો ફાયદો ઉઠાવ્યો

મુંબઈ, તા.૯: મુંબઈની કોર્ટે એક રેપ કેસમાં ૨૦ વર્ષના એક કોલેજીયન સહિત બેને ૨૦ વર્ષની સજા ફટકારી. આ સજા એક બાળકીનું શારીરિક શોષણ કરવાના જદ્યન્ય આરોપમાં પોકસો કોર્ટે સંભળાવી છે. ઘટના ૨૦૧૮ની છે, ત્યારે બાળકીની ઉંમર ૩ વર્ષની હતી.

કોર્ટે કહ્યું કે, આરોપી બાળકીના પડોશમાં રહેતો હતો. ૨૦ નવેમ્બર ૨૦૧૮એ તેણે બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું. આરોપીનો મિત્ર સમગ્ર ઘટના જોતો રહ્યો. આરોપીના મિત્રએ બાળકીને ખરાબ ઈરાદે સ્પર્શ કર્યો. ત્રીજો આરોપી જે સગીર હતો, તેણે બાળકીનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો. તેના પર અલગથી કેસ ચલાવાશે.

૨૦ નવેમ્બર, ૨૦૧૮ની રાત્રે બાળકીના કાકા તેમની રડતી બાળકીને શાંત રાખવા તેને લઈને ઘરની બહાર આવ્યા તો તેમણે પીડિતાને કોમન પેસેજમાં મુખ્ય આરોપી અને સગીર સાથે સોફા પર બેઠેલી જોઈ હતી. જયારે અન્ય એક આરોપી બાજુમાં ઊભેલો હતો. તે પછી તરત જ આ ત્રણે ત્યાંથી જતા રહ્યા હતા.

તે પછી પીડિતાના કાકા તેને ઘરમાં લઈ ગયા અને તેના પિતાને બધી વાત કરી. બાદમાં પીડિતાની માતાએ તેને વિશ્વાસમાં લઈને બધી વાત પૂછી તો તેણે પોતાનું શારીરિક શોષણ થયા અંગે જણાવ્યું હતું. જયારે સ્થાનિક ડોકટરે બાળકીને તપાસી અને બાળકીએ કહેલી વાત સાચી હોવાનું જણાવ્યું, તે પછી પરિવારે ફરિયાદ નોંધાવી હતી. તે પછી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ કેસની ટ્રાયલ દરમિયાન બાળકી, તેની માતા અને પુત્ર સાક્ષી બન્યા. તેમણે જણાવ્યું કે, બાળકી એ લોકોને બિલ્ડિંગના કોમન પેસેજમાં મળી હતી. ત્રણે આરોપી પણ ત્યાં હતા.

આરોપીએ પોતાની ઉંમર નાની હોવાનું કહી કોર્ટ સમક્ષ દયાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેને કોઈપણ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. સજા ઘટાડવા માટે માત્ર ઉંમરને મજબૂત કારણ માની શકાય નહીં તેમ જણાવતા કોર્ટે કહ્યું કે, ' કોઇ પણ ઉંમરની વ્યકિત તાર્કિક સ્પષ્ટીકરણ કે તર્ક આપી શકે છે. જો એ આધાર પર નિર્ણય થાય તો કોઈપણ આરોપીને દોષી જાહેર કરી સજા આપવી શકય નહીં બને.'

કોર્ટે કહ્યું કે, ત્રણ વર્ષની બાળકી આરોપીને દાદા (મોટો ભાઈ) કહેતી હતી. તે મોટો ભાઈ માની તેના પર ભરોસો કરતી હતી. આરોપીએ તેના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો અને દુષ્કર્મ કર્યું. કોર્ટે કહ્યું કે, આ સજાથી આરોપીઓ તો ભવિષ્યમાં આવો કોઈ ગુનો નહીં જ કરે, અન્ય લોકો પણ તેમ કરતા અટકશે. કોર્ટે નોંધ્યું કે, બાળકો પર દુષ્કર્મ એ સૌથી વધુ ધ્રુણાસ્પદ ગુનો છે, કેમકે તેનાથી બાળકને એવો આદ્યાત આપે છે જેમાંથી તે આખી જીંદગી બહાર નથી આવી શકતું.

(સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શારીરિક શોષણના કેસમાં પીડિતાની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે તેની ઓળખ છતી કરવામાં આવી નથી.)

(9:53 am IST)