Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

વાહ ! હનુમાન મંદિર માટે મુસ્લિમ શખ્સે દાનમાં આપી ૧ કરોડની જમીન

એક મુસ્લિમ બિઝનેસમેનના આ કામને લઈને લોકો ચારેબાજૂ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે

બેંગ્લોર,તા. ૯: બેંગલુરૂમાં એક બહારના વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરનો વિસ્તાર વધારવા માટે એક મુસ્લિમ બિઝનેસમેન પોતાની ૧૬૩૪ સ્કેવર ફૂટ જમીન દાનમાં આપી દીધી છે. આ જમીનની કિંમત ૮૦ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ સુધીની આંકવામાં આવે છે. ત્યારે એક મુસ્લિમ બિઝનેસમેનના આ કામને લઈને લોકો ચારેબાજૂ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ટ્રાંસપોર્ટનો બિઝનેસ કરતા એમએમજી બાશાએ જયારે જોયુ કે, તેમની ત્રણ એકર જમીનની એકદમ નજીક હનુમાન મંદિર આવેલુ છે. આ મંદિરમાં ભકતોની સંખ્યા સતત વધતી જતી હતી. જેના કારણે ત્યાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. જેને લઈને ટ્રસ્ટ મંદિરે વિસ્તાર કરવાનો વિચાર કર્યો. જો કે, ફંડના અભાવના કારણે આ શકય નહોતું બનતું. ત્યારે બાશાએ મંદિર ટ્રસ્ટના લોકોને જણાવ્યુ કે, તે પોતાની જમીન દાનમાં આપવા માગે છે. કેમ કે, જમીન હાઈવેની નજીકમાં છે, તેથી તેની કિંમત ખૂબ વધારે આવશે.

જો કે, મંદિર ટ્રસ્ટે ૧૦૮૯ સ્કેવર ફૂટ જમીનની જ માગ કરી હતી. પણ બાશાએ પોતાના પરિવારના લોકો સાથે વાત કર્યા બાદ ૧૬૩૪ સ્કેવર ફૂટ જમીન દાનમા આપી દીધી. આ જમીનની કિંમત ૧ કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી હતી. તેને એક પણ રૂપિયો લીધા વિના આ જમીન મંદિરને દાનમાં આપી દીધી. ત્યારે આ વાતને લઈને ટ્રસ્ટે પણ એક બેનર લગાવી બાશા અને તેના પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.

મીડિયા સાથે વાત કરતા બાશા જણાવે છે કે, હિન્દુ અને મુસલમાન લાંબા સમયથી એક સાથે રહેતા આવે છે. આજના જમાનામાં વિભાજનકારી ચર્ચાઓ ખૂબ થાય છે. જો આપણે પ્રગતિ કરવા માગીએ છીએ તો, દેશમાં એકતા સાથે રહેવાની જરૂર છે. ત્યાંના લોકોને આ શખ્સે લીધેલા નિર્ણયના ખૂબ વખાણ કરી રહ્યા છે.

(9:52 am IST)