Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રસીકરણની તૈયારીઓ પૂર્ણઃ માત્ર મંજુરીની જોવાતી રાહ

નિયામક દ્વારા મંજુરી આપવામાં આવે કે તરત જ રસીકરણ શરૂ કરાશેઃ સૌ પહેલા ૩૦ કરોડ લોકોને રસી આપવા સરકાર તૈયારઃ કેન્દ્ર અને રાજ્ય સરકારોેએ રસીના સ્ટોક અંગેની તૈયારીઓ પણ પુરી કરી લીધીઃ વિતરણ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી

નવી દિલ્હી, તા. ૯ :. દેશમાં કોરોનાના નવા કેસોમાં થયેલા ઘટાડા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે કોરોનાથી બચાવ માટે રસીકરણની તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. હવે માત્ર રસીને નિયામકની મંજુરીની રાહ છે. સરકારે કહ્યુ છે કે રસીની મંજુરી મળ્યા પછી રસીકરણ શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય વી.કે. પોલે જણાવ્યુ હતુ કે ઔષધી નિયામક ૩ રસી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આમાથી બધાને કે પછી એક બેને ટૂંક સમયમાં લાયસન્સ આપી દેવાશે. ૧ કરોડ હેલ્થ વર્કર્સ અને ૨ કરોડ કોરોના વોરીયર્સને પહેલા રસી અપાશે.

પ્રથમ શ્રેણીમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ, કેન્દ્ર-રાજ્યના કર્મચારીઓ મળી ૧ કરોડ લોકો આવે છે. બીજી પ્રાથમિકતામાં પોલીસ-સુરક્ષા દળ, હોમગાર્ડ વગેરે ૨ કરોડ છે. જ્યારે ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના ૨૭ કરોડ લોકોને રસી અપાશે. કુલ ૩૦ કરોડ લોકોને પ્રાથમિકતા સમુહમાં રખાયા છે. જો રસી યોગ્ય માત્રામાં મળશે તો ત્રણેય સમુહને એક સાથે રસી અપાશે.

સરકારે ૩ કરોડ લોકોના રસીના સ્ટોરેજની તૈયારી પુરી કરી દીધી છે. દેશમાં હાલ ૯ રસી પર કામ થઈ રહ્યુ છે. જેમાંથી ૨ કંપનીઓએ ઈમરજન્સી માટે અરજી કરી છે. ૨ રસી કલીનીકલ ટ્રાયલમાં છે. બાકીનાનુ પરિક્ષણ ચાલી રહ્યુ છે.

દરમિયાન બેન્ક અધિકારીઓના ચારેય સંગઠનોએ જણાવ્યુ છે કે પ્રાથમિકતામાં બેન્ક કર્મચારીઓને રસી અપાવી જોઈએ.

(9:49 am IST)