Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

૯૦નું પેટ્રોલ, સરકાર દ્વારા શોષણનું મોટું દ્રષ્ટાંતઃ સુબ્રમણ્યમ સ્વામી

ભડકે બળતાં પેટ્રોલના ભાવથી ભાજપમાં જ રોષ : રિફાઈનરીમાંનું ૩૦ રુપિયે લિટર પેટ્રોલ બજારમાં ૯૦ રુપિયે વેચાતું હોવાનો ભાજપના નેતાએ ખુલાસો કર્યો

નવી દિલ્હી, તા. ૮ : ભારતમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલના ભાવ વધીને રૂપિયા ૯૦ને આંબી ગયા છે. જેને લઈને લોકો ભારોભાર નારાજ છે અને લાલઘુમ છે. ભાજપના જ નેતાઓ પેટ્રોલના આ ભાવને લઈને પોતાની જ પાર્ટીની ટીકા કરવા લાગ્યા છે.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરેલુ એક ટ્વિટ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, ૯૦ રૂપિયાનું પેટ્રોલ, ભારત સરકાર દ્વારા ભારતના લોકોના શોષણનું મોટું ઉદાહરણ.

તેમણે કહ્યું હતું કે, રૂપિયા ૯૦માં પેટ્રોલની કિંમત રિફાઈનરીમાં તો ૩૦ રૂપિયે જ લિટર હોય છે. ત્યાર બાદ દેશના જુદા જુદા પેટ્રોલ પંપ કમિશન અને અન્ય ખર્ચ ૬૦ રૂપિયા થઈ ગયા. મારા હિસાબે પેટ્રોલની વધુમાં વધુ કિંમત ૪૦ રૂપિયા પ્રતિ લીટર હોવી જોઈએ. અત્યાર સુધીમાં જ ટ્વિટર પર ૧૮.૫ હજાર રિટ્વીટ, ૮૧ હજાર લાઈક્સ અને ૩૮૦૦ કોમેંટ્સ મળી છે.

અન્ય એક ટ્વિટમાં તેમણે એક સમાચારપત્રની લિંક શેર કરતા કહ્યું છે કે, ઈંધણની કિંમત ઘટવાની કઈ રીતે અર્થતંર પર તેની સકારાત્મક અસર થાય છે. ટ્વિટર યૂઝર્સ તેમના ટ્વિટ પર એક થી એક કોમેન્ટ કરે રહ્યાં છે. એક યૂઝરે લખ્યું હતું કે, ભક્તોને સમજાતુ જ નથી કે કોનું સમર્થન કરવામાં આવે. ૨૦૧૨માં પેટ્રોલની  કિંમત જ્યારે ૬૭ રૂપિયા પ્રતિ લિટર પહોંચી હતી તો ભાજપે તેનો ભારે વિરોધ કર્યો હતો. આ સમયે બોલિવૂડના અનેક સેલિબ્રિટીએ પણ ટ્વિટ કર્યા હતાં. આ સેલેબ્રિટીના જુના ટ્વિટ પણ હાલ ટ્રેન્ડ કરી રહ્યાં છે.

(12:00 am IST)