Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કૃષિ બિલોને રદ કરવાની ખેડૂતોની માગ ખોટી : રવિશંકર પ્રસાદ

ભારત બંધ પર રવિશંકર પ્રસાદનું નિવેદન : ખેડૂતો માટે માર્કેટ ખતમ નહીં થાય અને ન તો એમએસપી ખતમ થશે, ખેડૂતોની જમીન પર કોઈનો કબજો નહીં થાય

નવી દિલ્હી,તા.૮ : કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધને રાજકીય પાર્ટીઓના સમર્થન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાજકીય પાર્ટીઓ ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. પ્રસાદે વાતચીતમાં દાવો કર્યો કે ત્રણેય કાયદા રહ્યા બાદ પણ માર્કેટ યાર્ડ અને એમએસપી હંમેશા ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતો દ્વારા ત્રણેય કાયદાને રદ કરવાની માંગને ખોટી ગણાવતા કહ્યું કે મોદી સરકારમાં ખેડૂત સમૃદ્ધ થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ખેડૂત આપણા અન્નદાતા છે, ખેડૂતોના વિકાસ અને ખેડૂતો માટે સમર્પિત સરકાર છે. તેઓએ કહ્યું કે ખેડૂતો માટે માર્કેટ ખતમ નહીં થાય અને ન તો એમએસપી ખતમ થશે.

           ખેડૂતોની જમીન પર કોઈનો કબજો નહીં થાય. આ આશ્વાસન સરકારે ખેડૂતોને આપ્યું છે. ખેડૂતો સાથે ઘણા દિવસો સુધી વાત કરવી, મીટિંગો કરવી અને તો પણ ખેડૂતો ન માનવાના સવાલ પર પ્રસાદે કહ્યું કે અમારા સીનિયર મિનિસ્ટર્સ વાત કરી રહ્યા છે અને મંત્રણા ચાલુ છે. તે અંગે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. નરેન્દ્ર મોદજીની સરકાર ખેડૂતો અને તેમના વિકાસ માટે સમર્પિત છે. અમારી સરકારે ખેડૂત સન્માન નિધિના માધ્યમથી ૧૦ કરોડ ખેડૂતોને ૧ લાખ કરોડ રૂપિયા આપ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમારી સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી. તેઓએ કહ્યું કે એમએસપી પર શરૂ થયેલી વાતચીત કાયદાને રદ કરવા સુધી પહોંચી ગઈ. તેની પછળ કઈ તાકાત છે એ મોટો સવાલ છે. પ્રસાદે કહ્યું કે નવેમ્બરના અંત સુધી ૬૦ હજાર કરોડ રૂપિયાનું અનાજ એમએસપી પર ખરીદવામાં આવ્યું છે. એમએસપી વધારવામાં પણ આવી રહી છે. અમે તો કામ કરીને દર્શાવી રહ્યા છીએ.

(8:27 am IST)