Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

વેક્સિનના ડોઝનું કનેક્શન મોબાઈલ ફોન સાથે જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈશારો : વીડિયો કોન્ફરન્સિંગથી ઈન્ડિયા મોબાઈલ કોન્ફરન્સની ચોથી આવૃત્તિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, તા. ૮ : કોરોના વાયરસના ડોઝનું કનેક્શન તમારા મોબાઈલ ફોન સાથે પણ જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબત તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, કોરોનાના વેક્સીનેશન અભિયાનમાં મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ મહામારીની વેક્સીન ટુંક સમયમાં જ મળી જાય તેવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે, આવનાર ગણતરીના અઠવાડિયાની અંદર જ કોરોનાની વેક્સીન ભારતમાં પણ મળતી થઈ જશે. પીએમ મોદીએ આજે મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોફ્રેન્સ (આઈએમસી-૨૦૨૦)ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ પાંચમી પેઢીની મોબાઈલ સેવા કે ૫જી ટેક્નોલોજી નેટવર્કને ટુંક સમયમાં જ શરૂ કરવા પર ભાર આપતા કહ્યું હતું કે, તેનાથી ',અલ્ટી-જીબીપીએસ પીક ડેટા સ્પીડલ્લ મળી રહેશે.

મોબાઈલ ટેક્નોલોજીને જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેનાથી પારદર્શિતા અને કોરોના મહામારી દરમિયાન રોજીંદા કામમાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીના ટીકાકરણનું અભિયાન ચલાવવામાં પણ તેનાથી મદદ મળશે. જોકે તેની વિસ્તૃત જાણકારી પીએમ મોદીએ આપી નહોતી.

પીએમ મોદીના આ સંકેતથી એ વાતને લઈને સસ્પેન્સ વધી ગયું છે કે, મોબાઈલને કોરોના વેક્સીનના ટીકાકારણ અભિયાનથી કેવી રીતે જોવડવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, કોરોના વેક્સીનના ટીકાકરણ અભિયાનને એપ દ્વારા આગળ વધારવામાં આવશે. ભારત સરકારે કોરોના વેક્સીન રોલઆઉટ માટે એક ખાસ પ્રકારની એપ તૈયાર કરી છે. તેને કોવિન નામ આપવામાં આવ્યું છે. આ એપ કોરોનાના વેક્સીનેશન અભિયાનમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેના દ્વારા સરકારને કોરોનાના સ્ટોક, ડિસ્ટ્રીબ્યૂશન, સ્ટોરેજ જેવી મહત્વની જાણકારીઓ મળશે. જ્યારે વેક્સીન મેળવનારાઓને તેનો ડોઝ ક્યારે આપવામાં આવશે તેનું આખુ શેડ્યુલ પણ આ એપ પર જ મળી રહેશે. આ એપ દ્વારા જ અધિકારીઓ રિયલ ટાઈમ સ્તરે ડેટા અપલોડ અને એક્સેસ કરી શકશે. આ એપના ડેટા કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ સાથે અપડેત થશે. આ ઉપરાંત એપ દ્વારા દેશભરમાં ફેલાયેલા ૨૮,૦૦૦ સ્ટોરેજ સેંટર્સ પર વર્તમાન સ્ટોકની પણ જાણકારી મળી જશે. આ એપ દ્વારા ટેમ્પ્રેચર લોગર્સ, વેક્સીન ડિપ્લોયમેંટ અને કોલ્ડ ચેન મેનેજર્સની વિગતો પણ જાણી શકાશે.

(8:26 am IST)