Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કલકત્તા હાઇકોર્ટે ઇન્ડિયન બેન્કના મેનેજમેન્ટની ઝાટકણી કાઢી : સસ્પેન્ડ થયેલા કર્મચારીને નોકરીમાં લીધા પછી પણ સસ્પેન્સન સમય દરમિયાનનો પગાર ન આપ્યો : કોર્ટના ચુકાદા પછી પણ અમલ નહીં કરતા 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો : 4 સપ્તાહમાં ચડત રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવી દેવાનો હુકમ કર્યો

કોલકત્તા : સંદીપ્તા ગંગોપાધ્યાય નામક ઇન્ડિયન બેન્કના કર્મચારી વિરુદ્ધ એક ગ્રાહકે 2014 ની સાલમાં કરપશનની ફરિયાદ નોંધાવી હતી.જેના પરિણામે પોલીસે તેની ધરપકડ કરી હતી.તથા બેંકે તેને સસ્પેન્ડ કર્યો હતો.

આથી કર્મચારીએ બેન્કના સસ્પેન્સન ઓર્ડરને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.જેના પરિણામે સિંગલ જજે 2015 ની સાલમાં તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.પરંતુ બેંકે ચુકાદા વિરુદ્ધ અપીલ કરતા ડિવિઝન બેન્ચે આ ચુકાદાના વિભાગ પાડ્યા હતા અને  ચુકાદો રેફરલ બેન્ચ સમક્ષ મોકલાયો હતો. બાદમાં રેફરલ બેન્ચે  2019 ની સાલમાં ગંગોપાધ્યાયની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી તેને નોકરીમાં પરત લઇ લેવાયો હતો. પરંતુ 2014 થી 2019 ની સાલ વચ્ચેના તેના સસ્પેન્સન સમયનો પગાર બેંકે  આપ્યો નહોતો.

આથી કર્મચારીને  ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી હતી..તથા અલાહાબાદ બેન્કનો ચુકાદો ટાંકી તેણે  સસ્પેનશન સમય દરમિયાનનો પગાર મળે તેવી અરજ ગુજારી હતી.

આથી નામદાર કોર્ટે બેન્ક મેનેજમેન્ટનો ઉધડો લેતા જણાવ્યું હતું કે નોકરીમાં પરત લેવાયેલો કર્મચારી આરોપ મુક્ત ગણાયો હોવાથી સસ્પેનશન સમય દરમિયાનનો ચડત પગાર ન આપી ટટળાવવો તે બાબત માનસિક ત્રાસ સમાન છે.બેન્ક મેનેજમેન્ટ ફરીથી કોઈ કર્મચારીને આવો ત્રાસ ન આપે તેવા હેતુથી 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તથા ચડત રકમ 8 ટકા વ્યાજ સાથે 4 સપ્તાહમાં ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો.અને જો મોડું થાય તો વધુ 4 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

જોકે નામદાર અદાલતે બેન્કને અપીલમાં જવાની મંજૂરી આપી હતી.પરંતુ સાથોસાથ ટકોર પણ કરી હતી કે બેન્ક મેનેજમેન્ટ ડહાપણનો ઉપયોગ કરી આવી અપીલમાં જવાનું ટાળશે તેમ છતાં તેમનો અપીલમાં જવાનો અધિકાર સુરક્ષિત રખાયો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)