Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કેજરીવાલને નજરકેદ કર્યાનો આપનો આરોપ : દિલ્હી પોલીસે ફોટો શેર કરી આપ્યો જવાબ

ડીસીપીએ એન્ટ્રી ગેટનો ફોટો શેર કર્યો : 'નજરકેદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી તરફથી થઈ રહ્લો દાવો ખોટો

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરમાં નજરકેદ કરવાના આમ આદમી પાર્ટીના દાવાને દિલ્હી પોલીસે ફગાવી દીધો છે. નોર્થ ડિસ્ટ્રિક્ટના ડીસીપીએ સીએમ હાઉસના એન્ટ્રી ગેટની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે સીએમની નજરકેદનો દાવો ખોટો છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી સીએમ કેજરીવાલને નજરકેદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. 

આમ આદમી પાર્ટીના આ દાવા પર નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે, 'નજરકેદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી તરફથી થઈ રહ્લો દાવો ખોટો છે. તેઓ દેશના કાયદા હેઠળ મળેલા ફ્રી મૂવમેન્ટના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના ઘરના પ્રવેશ દ્વારાની આ તસવીર પોતે જ ઘણું  બધું કહે છે

આ બાજુ દિલ્હીના ડીસીપી આન્ટો અલ્ફાન્સે પણ નજરકેદના દાવાને ખોટો ઠેરવ્યો. તેમણે કહ્યું કે આ નિવેદન બિલકુલ ખોટું છે. દિલ્હીના સીએમ તરીકે તેઓ ક્યાંય પણ જવા માટે સ્વતંત્ર છે. 

AAPએ સવારે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હી પોલીસે સીએમ અરવિંદ કેજરીવાલને સિંઘુ બોર્ડરથી આવ્યા બાદ ઘરમાં નજરકેદ કર્યા છે. પાર્ટી પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'જ્યારથી કેજરીવાલ સિંઘુ બોર્ડરથી ખેડૂતોને મળીને પાછા ફર્યા છે ત્યારથી તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરની ચારેબાજુ બેરિકેડ લગાવી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ તેમને નજરકેદવાળી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.' 

 

ભારદ્વાજે કહ્યં કે ન તો કોઈને કેજરીવાલના ઘરની અંદર જવા દેવાય છે, ન તો બહાર. જે વિધાયકોએ ગઈ કાલે કેજરીવાલ સાથે બેઠક કરી હતી તેમની પોલીસે પીટાઈ કરી. કાર્યકરોને પણ તેમને મળવા દેવાતા નથી. ભાજપના નેતા સીએમના ઘરની બહાર બેઠા છે. 

અરવિંદ કેજરીવાલે ગઈ કાલે ખેડૂતોને મળ્યા બાદ કહ્યું હતું કે, 'ખેડૂતોનો મુદ્દો અને તેમની માગણી યોગ્ય છે. હું અને મારી પાર્ટી તેમના પડખે છે. ખેડૂતોએ આંદોલન શરૂ થયું ત્યારે દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલમાં ફેરવવાની મંજૂરી માંગી હતી. મારા પર દબાણ સર્જ્યુ હતું પરંતુ મેં મંજૂરી ન આપી.'

(12:00 am IST)