Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ખેડૂતોના સમર્થનમાં અન્ના હજારેના એક દિનના ઉપવાસ

કૃષિ કાયદાના વિરોધને અન્નાહઝારેનું સમર્થન : મહારાષ્ટ્રના રાલેગણસિદ્ધિ ગામમાં અનશન પર બેસનારા અન્નાએ દેશભરમાં આંદોલન ચલાવવા ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. ૮ : કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા આજે આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તેઓ ખેડૂતોના સમર્થનમાં આજે એક દિવસના અનશન પર બેઠા છે.

અન્ના હઝારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં આજે અનશન પર બેઠા છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો માટે રસ્તા પર આવવા અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ યોગ્ય સમય છે.  દેશમાં આંદોલન થવું જોઈએ, જેથી સરકાર પર દબાણ બને અને તેઓ ખેડૂતોના હિતમાં પગલાં લે.

અન્ના હઝારેએ કહ્યું કે, હું દેશના લોકોને અપીલ કરું છું કે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ સમગ્ર દેશમાં ચાલવું જોઈએ. સરકાર પર દબાણ લાવવા માટે આવી સ્થિતિ ઊભી કરવી જરૂરી છે અને એ માટે ખેડૂતોએ રસ્તા પર ઊતરવું જોઈએ, પરંતુ કોઈ હિંસા ન કરે.

અન્નાએ એક વીડિયો સંદેશ જારી કરતાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી ખેડૂતોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવ માટે લડવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. દેશમાં ઘણી જગ્યાએ ટાયરો સળગાવી અને હાઇવે ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરાઇ રહી છે. ઉપરાંત ઘણી જગ્યાઓ બસો અને ટ્રેનો પણ રોકવામાં આવી હતી.

(12:00 am IST)