Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ચીને ૧૦૫ વિદેશી એપ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો

વિશ્વની ડિજિટલ સ્ટ્રાઈક સામે ચીનનો વળતો પ્રહાર : અમેરિકા સહિત અનેક દેશોની એપ્લિકેશનને તાત્કાલિક અસરથી પ્લે સ્ટોર ઉપરથી દૂર કરવાનો આદેશ કરાયો

બેઈજિંગ, તા. ૮ : ભારતે ડિજિટલ સ્ટ્રાઈકની શરૂઆત કર્યા બાદ દુનિયાના અનેક દેશોએ ચીનની અમુક એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકી દીધો હતો. પણ હવે ચીને દુનિયાના દેશો સામે પલટવાર કરતાં ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચીનની સરકારે ૧૦૫ એપ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. આ એપ્સમાં અમેરિકા સહિત દુનિયાના અનેક મોટા દેશોની મશહૂર એપ્સ સામેલ છે. ચીને આ એપ્સ પર રોક લગાવતાં તાત્કાલિક પ્લે સ્ટોરથી હટાવવા માટેનાં આદેશ આપ્યા છે.

ચીને ડિજિટલ સ્ટ્રાઈક કરતાં અમેરિકાની ટ્રાવેલ ફર્મ ટ્રિપએડવાઈઝર સહિત ૧૦૫ એપ્સને દેશના એપ સ્ટોરથી હટાવવા માટે આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા અભિયાન હેઠળ ચીન દ્વારા આ રોક લગાવવામાં આવી છે. આ એપ્સ પર અશ્લીલ સાહિત્ય, હિંસા, જુગાર અને વેશ્યાવૃતિ જેવી સામગ્રી ફેલાવવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી ૩ વખત ચીની એપ્લિકેશન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. છેલ્લી સ્ટ્રાઈકમાં મોદી સરકારે ૪૩ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. લદ્દાખમાં ભારતીય સૈનિકોની હિંસક અથડામણ બાદ ભારતે અત્યાર સુધી ચીનની ૨૨૦ એપ્લિકેશન પર બેન લગાવી દીધો છે. જેમાં ટિકટોક, પબ્જી, યુસી બ્રાઉઝર સહિત અનેક મોટી એપ્સ પણ સામેલ છે.

(12:00 am IST)