Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ઇડી દ્વારા 'પનામા પેપર્સ લીક'મા નવેસરથી ૪૦૦ સમન્સ ઇશ્યુ કરાયા

ઇડીએ ૨૦૦૪થી કરવામાં આવેલા વિદેશી રોકાણ અંગે સ્પષ્ટતા અને ખુલાસા માંગ્યા

નવી દિલ્હી તા. ૯ : એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઈડી) જેમના નામોનો પનામાં પેપર્સ લીકમાં પર્દાફાશ થયો છે એવા તમામ હાઈ નેટ-વર્થ ધરાવતા ૪૦૦ જેટલા લોકોને સમન્સ પાઠવ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે કુલ ૪૦૦ સમન્સ પાઠીને ૨૦૦૪થી કરવામાં આવેલા વિદેશી રોકાણ અંગે સ્પષ્ટતા અને ખુલાસા માંગ્યા છે.

ઈડીની આ કાર્યવાહી એવા સમયે હાથ ધરવામાં આવી છે કે જયારે એજન્સી એક અન્ય લિકેજ-પેરેડાઈઝ પેપર્સમાં તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે ભારતની બહાર નોંધાયેલ મૂડીરોકાણ અંગે સ્પષ્ટતા માંગી છે અને હાઈ નેટ-વર્થ ઈન્ડિવિઝયુલ્સ (એચએનઆઈ) દ્વારા ઘરેલું નિયમોનો અમલ કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક બોલિવૂડની હસ્તીઓ સહિત હાઈપ્રોફાઈલ લોકોને થોડા મહિને પૂર્વે આ પ્રકારના સમન્સ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્કમટેકસ વિભાગે આ મુદ્દે તેમની પૂછપરછ કર્યા બાદ ફરીથી ઈડી દ્વારા સમન્સ બજાવવામાં આવ્યા છે. ઈન્કમટેકસ વિભાગે નોટિસો બજાવી હતી અને પોતાના ટેકસ રિટર્ન્સમાં કાયદો અને ડિસ્કલોઝરની પૂર્તતા કર્યા બાદ રોકાણ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.

ઈડી દ્વારા તપાસનો વ્યાપ બહોળો છે તેમાં ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ (ફેમા) અને મની લોન્ડરિંગ એકટ સહિતના કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પનામા પેપર્સમાં જેમના નામનો ઘટસ્ફોટ થયો છે તેમના દ્વારા સુપ્રત કરવામાં આવેલા કેટલાક દસ્તાવેજોની અધિકૃતતાની ચકાસણીએ ઈન્કમટેકસ વિભાગના કાર્યક્ષેત્રની બહાર છે અને તેથી એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ આ મામલામાં તપાસ કરી રહ્યું છે અને તેના દ્વારા વધુ માહિતી અને સ્પષ્ટતા મેળવવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે

(3:36 pm IST)