Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

આડા સંબંધ માટે ફકત પુરૂષને જવાબદાર શા માટે ગણવો?

સુપ્રિમ કોર્ટ વ્યભિચારના બાબા આદમના જમાનાના કાયદાની બંધારણીય યોગ્યતાની વિચારણા કરશે

નવી દિલ્હી તા. ૯ : લગ્નબાહ્ય સંબંધોમાં સ્ત્રી અને પૂરૂષ બંનેની સંમતિથી શારીરિક સંબંધ બંધાતો હોવા છતાં ફકત પુરૂષ માટે સજાની જોગવાઇ ધરાવતા વ્યભિચારના બ્રિટીશ કાળના કાયદાની બંધારણીય યોગ્યતા પર વિચારણા કરવા સુપ્રીમ કોર્ટ ગઇકાલે સંમત થઇ હતી. સુપ્રીમ કોર્ટે ગઇકાલે જણાવ્યું હતું કે, 'જો પતિ તેની પત્નીને અન્ય પુરૂષ સાથે સેકસ્યુઅલ ઇન્ટરકોર્સ માટે સંમતિ આપે તો એ પરિસ્થિતિ વ્યભિચારનો ગુનો નથી બનતી. એ સ્થિતિમાં સ્ત્ર એક વાપરવાની વસ્તુ બને છે. એ બાબતે સ્ત્રી-પુરૂષ સમાનતાના સિધ્ધાંત અને સમાનતાના બંધારણીય અધિકારથી વિપરીત બને છે.'

હાલમાં વ્યભિચારના ગુનામાં પાંચ વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા અને કેદ તથા દંડ બંનેની જોગવાઇ છે. એવા કિસ્સામાં પત્નીને ગુનામાં ઉત્તેજન આપનાર તરીકે સજાને પાત્ર ગણવામાં નથી આવતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે એ કાયદાને પ્રથમદર્શી રીતે જુનવાણી ગણાવતા જણાવ્યું હતું કે, 'બંધારણમાં સ્ત્રીઓ અને પુરૂષોને સમાન દરજ્જો આપવામાં આવ્યો હોવાથી કાયદાની એ પ્રકારની જોગવાઇ સ્ત્રીઓને ઉતરતા દરજ્જાની ગણવા સમાન છે. સમાજે હવે સમજવું જોઇએ કે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરૂષોની સમકક્ષ છે. એ જોગવાઇ પ્રથમદર્શી રીતે અત્યંત જુનવાણી ગણાય છે. સમાજ પ્રગતિ કરી રહ્યો છે અને સૌને અધિકારો આપવામાં આવ્યા છે ત્યારે નવા વિચારો સપાટી પર આવી રહ્યા છે. એથી અમે નોટીસ ઇશ્યુ કરી છે.'

(12:36 pm IST)