Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

શરમજનક ઘટના

પોલીસને બાતમી આપનાર મહિલાને બુટલેગરોએ ધીબેડી નાખી અને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં

નવી દિલ્હી તા. ૯: દિલ્હીના નરેલા વિસ્તારમાં ગેરકાયદે રીતે ચાલતા દારૂના ધંધાવિરોધી કાર્યવાહીમાં દિલ્હીના મહિલા પંચ અને પોલીસને મદદ કરનારી મહિલાને એ વિસ્તારની અન્ય મહિલાઓએ મારઝૂડ કરી હતી. બૂટલેગર માનવામાં આવતી હુમલાખોર મહિલાઓએ એ ઇજાગ્રસ્ત મહિલાનાં કપડાં પણ ફાડયાં હતાં. પોલીસે હુમલાખોર મહિલાઓ સામે કેસ નોંધ્યો છે.

દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે 'બુધવારે રાતે નરેલા વિસ્તારમાં પંચના ઇન્સ્પેકશન દરમ્યાન તે મહિલાએ અમને એ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલતો હોવાની માહિતી આપી હતી. ત્યાર પછી ગુરૂવારે પચીસેક જણના ટોળાએ લોખંડના સળિયા વડે તે મહિલાને મારી હતી. એ ઉપરાંત તેનાં કપડાં ફાડીને નિર્વત્ર સ્થિતિમાં એ વિસ્તારમાં ફેરવી હતી. તે ગુનેગારોએ મારઝૂ અને મહિલાની ન્યુડ પરેનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.

એ વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શેર કરતાં દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે અત્યાચારનો ભોગ બનેલી મહિલાને દારૂનો ગેરકાયદે ધંધો કરતા માફિયા વિરૂદ્ધ અવાજ ઉઠાવે તો ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. આશ્ચર્યની બાબત એ છે કે એ વખતે પોલીસ હાજર હોવા છતાં મહિલાને બચાવી શકાઇ નહોતી. વિડિયોમાં પીડિત મહિલાએ રડતાં-રડતાં કહ્યું હતું કે 'તે મહિલાઓ મને ઢસડી-ઢસડીને મારતી હતી. મારાં કપડાં ફાડતી હતી. ત્યાં ઉપસ્થિત પોલીસ-જવાનોમાંથી જેમણે મને બચાવવાનો પ્રયત્ન કર્યો એ જવાનોને પણ મારઝૂડ કરવામાં આવી હતી.'

(11:29 am IST)