Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


GSTમાં બનશે નવો સ્લેબ, ઘટશે ટેક્ષની કિંમતો?

પેટ્રોલિયમ પ્રોડકટ પણ આવશે GSTમાં?

નવી દિલ્હી તા. ૯ : બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શુક્રવારે કહ્યું કે, GST પરિષદ ૧૨ અને ૧૮ ટકા ટેક્ષની દરોને એક નવા સ્લેબમાં ઉમેરવાની સંભાવનાની તપાસ કરશે. GST પરિષદના સદસ્ય સુશીલ મોદીએ આ પણ કહ્યું કે સામાનો પર લગાવાતા પ્રાઈસ ટેગ્સમાં દરેક કરો સહિત કિંમત લખી હોવી જોઈએ. મોદીએ આગળ કહ્યું, GST પરિષદ ૧૨ ટકા અને ૧૮ ટકા ટેક્ષના દરોને એક નવા સ્લેબમાં ઉમેરવાની સંભાવના પર ચર્ચા કરશે. નવો સ્લેબ આ બંનેની વચ્ચેનો હોઈ શકે છે. તો હાલમાં ૫૦ વસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે. જેમાંથી કેટલીક વસ્તુઓને તેમાંથી દૂર કરી શકાય છે.

તેમણે ભારત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધિત કરતા કહ્યું કે, આ બધાને મહેસૂલ સ્થિર થયા બાદ લાગૂ કરી શકાય છે અને આ કરમાં વધારા પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે પરિષદને ૧૭૮ પ્રોડકટ્સ પર ટેક્ષની કિંમતો ઘટાડીને તેની સાથે જોડાયેલા ૯૦ ટકા મુદ્દાઓનું સમાધાન કરી દીધું છે. તેમણે કહ્યું, મેં GST પરિષદને ભલામણો આપી છે કે વસ્તુઓ પર અંતિમ કિંમત દરેક ટેક્ષને ભેગી કરીને આપેલી હોવી જોઈએ. મને ઉમ્મીદ છે કે પરિષદ આ પ્રસ્તાવને મંજૂરી આપી દેશે. તેમણે કહ્યું કે જીએસટી શાસનમાં સ્થિરતા આવ્યા બાદ કેન્દ્ર અને રાજય બંનેના મહેસૂલમાં વધારો થશે.

મોદીએ કહ્યું કે પરિષદ પેટ્રોલિયમ ઉત્પાદનો, વીજળી કિંમત અને સંપત્તિની સ્ટેમ્પ ડ્યૂટીને પણ જીએસટી હેઠળ લાવવાનો વિચાર કરી રહી છે. તેમણે આ વાત સ્વીકારી કે નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને કાપડ ઉદ્યોગને જીએસટી લાગૂ થયાના શરૂઆતના દિવસોમાં સૌથી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ પહેલા વેટ અંતર્ગત ટેક્ષમાં છૂટ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, પરિષદ તેમની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરશે.

મોદીએ જીએસટીએન પ્રણાલી ધીમી થવી અને ડીલરો દ્વારા રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી થવાના આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું, શરૂઆતની સમસ્યાઓ છતાં, જીએસટી નેટવર્ક સાથે જોડાયેલી સમસ્યા ઓછી થઈ રહી છે. જો નેટવર્ક ધીમું ચાલતું તો રોજના ૧૩ લાખ રિટર્ન ભરવા સંભવ ના હોત. તેમણે કહ્યું, જીએસટી નેટવર્ક પ્રણાલીને જોવા માટે બનેલી મંત્રીઓની સમિતિની આઈટી કંપની ઈન્ફોસિસ સાથે ૧૬ ડિસેમ્બરે મીટિંગ યોજાશે. ઈન્ફોસિસે જીએસટીએન પ્લેટફોર્મ વિકસિત કર્યું છે અને તેમાં સુધારો કરી રહી છે.

(11:42 am IST)