Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભારતમાં પણ એક જો બાઇડેનની જરૂરત, આશા છે કે 2024માં અમને આવા નેતા મળી જશેઃ કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અને મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી દિગ્‍વિજયસિંહનું નિવેદન

ભોપાલ/વૉશિંગ્ટન: અમેરિકામાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને ભવ્ય જીત મળી છે. જો બાઈડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. બાઈડેનની જીત પર વડાપ્રધાન મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ જો બાઈડેનને જીત બદલ શુભેચ્છા પાઠવવા સાથે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં પણ એક જો બાઈડેનની જરૂરત છે. આશા છે કે, 2024માં અમને આવા એક નેતા મળી જશે.

દિગ્વિજેય સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, તમામ અમેરિકન મતદાતાઓને જો બાઈડેનને ચૂંટાવા બદલ શુભકામના. જો અમેરિકનોને એકજૂટ કરશે અને પોતાના પૂર્વવર્તીની જેમ વિભાજિત નહીં કરે.

હવે ભારતમાં પણ એક જો બાઈડેનની જરૂરત છે. આશા કરીએ કે, અમને 2024માં એક એવા નેતા મળી જશે. ભારતમાં વિભાજનકારી તાકાતોને હરાવવી પડશે.

જણાવી દઈએ કે, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને શનિવારે રિપબ્લિકન પાર્ટીના પોતાના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પને કારમો પરાજય આપ્યો છે. અમેરિકાના મીડિયા રિપોર્ટોમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

77 વર્ષના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ હવે અમેરિકાના 46માં પ્રેસિડન્ટ બનશે. બાઈડેનને બહુમતના જાદુઈ આંકડા 270 કરતાં વધુ ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી ગયા છે. જે જીત માટે જરૂરી હતા.

(5:01 pm IST)