Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અયોધ્યામાં જમીન બની 'સોનુ' : કાયાકલ્પ નવીનીકરણની હારમાળા

અયોધ્યા-લખનૌ હાઇવે ઉપર ૧૩૬ પ્રોજેકટ કાર્યવન્તીતઃ ફાઇવ સ્ટાર હોટલો, હોસ્પીટલો અને શોપીંગ મોલ બનશે

અયોધ્યાઃ રામમંદિર નિર્માણની સાથે-સાથે અયોધ્યાનો પણ કાયાકલ્પ થઇ રહયો છે. શહેરમાં ચારે તરફ નવુનિર્માણ અને પુનઃ નિર્માણ થઇ રહયું છે.

ભવ્ય રામમંદિરનું નિર્માણ ધીરે-ધીરે આગળ વધી રહયું છે. તો અયોધ્યાનું રૂપ પણ બદલાઇ રહયું છે. રામમંદિરની સાથે જમીનના ભાવ પણ સોનાના થવા લાગ્યા છે. વીઘામાં વેચાતી જમીનો હવે સ્કેવર ફુટમાં ભાવ લાગે છે. શહેરી જમીનની કિંમતો ૧૦ ગણી તો ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ગણો ભાવ વધારો થયો છે.

અયોધ્યામાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસની લાઇન લાગી છે. રામ મંદિર અને અયોધ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી યોગીની પ્રાથમીકતામાં સામેલ છે. વીજળીના તાર પણ અન્ડર ગ્રાઉન્ડ કરાઇ રહયા છે. અયોધ્યામાં હાઇ ટેન્શન વાયરો સરયુને બીજે પાર સ્થળાંતરીત કરવામાં આવી રહયા છે. અયોધ્યામાં શ્રધ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.

કલેકટર અનુજ કુમાર ઝાના જણાવ્યા મુજબ મેડીકલ કોલેજથી લઇને દરેક ઘાટનું નવીનીકરણ થઇ રહયું છે. રામજન્મ ભુમી ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે જણાવેલ કે આજે દેશનો દરેક ઉદ્યોગપતિ અયોધ્યામાં વ્યવસાય શરૂ કરવા માંગે છે. અમારો પ્રયત્ન છે કે અયોધ્યાના મુળ સ્વરૂપ સાથે વધુ છેડછાડ ન કરવામાં આવે અને નવી અયોધ્યા આધુનિક સુવિધાઓ યુકત રહે. વિદેશી પર્યટકો જયારે દેશમાં આવે તો તેમને સુવિધાઓ મળે.

અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ, ભવ્ય રેલ્વે સ્ટેશન જેવી મુળભુત સુવિધાઓ ઉપર યુધ્ધ સ્તરે કાર્ય ચાલી રહયું છે. પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલ ધાર્મીક સ્થળો અને મંદીરોના પુનઃ ઉધ્ધારનું કાર્ય ચાલી રહયું છે. લેન્ડ યુઝમાં ફેરફાર કરાઇ રહયા છે. ર૦ ટકા મકાનોના લેન્ડ યુઝમાં ફેરફાર થઇ ચુકયા છે. ૧૦ ટકા હોટલ સ્ટે હોમ બની ચુકયા છે. ઉપરાંત અયોધ્યા-લખનૌ હાઇવે ઉપર ૧૩૬ પ્રોજેકટ ચાલી રહયા છે. જેમાં ૧૦ ફાઇવ સ્ટાર હોટલ, ૭ હોસ્પીટલો અને પાંચ શોપીંગ મોલ અન્ડર કન્સ્ટ્રકશન છે.

અનોખો વર્ચ્યુઅલ દીપોત્સવ હકીકત જેવો જ હશે

અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ ઝડપી બની છે. આ દીપોત્સવમાં કરોડો રામભકત શ્રી રામલલાને વર્ચ્યુઅલ રૂપે નમન કરશે અને દીપ પ્રગટાવશે. શ્રધ્ધાળુ રામ દરબારમાં આસ્થા-દીપ પ્રગટાવવામાંથી વંચીત ન રહે તે માટે યુપી સરકાર પોર્ટલ તૈયાર કરી રહી છે. જેના દ્વારા વર્ચ્યુઅલી દીવો કરી શકાશે. આ અનોખો દીપોત્સવ બીલકુલ હકીકત જેવો જ હશે.

પોર્ટલમાં શ્રધ્ધાળુઓને માટી, તાંબા, સ્ટીલ અને અન્ય ધાતુના દીવા પ્રગટાવવા માટે વિકલ્પ અપાશે. ઘી, સરસવ અથવા તલના તેલ પણ પસંદગી માટે અપાશે. દીપ પ્રગટાવવાનું પ્રમાણપત્ર પણ અપાશે.

(2:55 pm IST)