Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોલસાની અછતના કારણે વીજ ઉત્પાદન પર અસર : પંજાબના અનેક થર્મલ પ્લાન્ટો બંધ થશે : રાજસ્થાનમાં વીજ કાપ ઝીંકાયો

દિલ્હીને પણ ટૂંક સમયમાં વીજ સંકટનો સામનો કરવો પડી શકે : ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને બિહારમાં વીજ ઉપ્તાદન કરતાં એકમો કોલસાની અછત

નવી દિલ્હી :  દેશના અનેક રાજ્યોમાં કોલસાની અછત વર્તાઈ રહી છે. જેના કારણે દેશમાં વીજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. દિલ્હી બાદ પંજાબે પણ કેન્દ્ર પાસે કોલસાનો પૂરવઠો પૂરો પાડવાની માંગ કરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. રાજસ્થાન સહિત અનેક રાજ્યો પહેલાથી જ કોલસાની અછતનો સામનો કરી રહ્યાં છે.

બીજી તરફ સરકારે કહ્યું છે કે, આ માટે એક કૉર મેનેજમેન્ટ ટીમ બનાવવામાં આવી છે. જે દૈનિક આધાર પર કોલસાના સ્ટૉક પર ઝીણવટપૂર્વક નજર રાખશે અને તેનું મેનેજમેન્ટ કરશે.

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ કેન્દ્ર સરકારને વીજ સંકટની સમસ્યામાંથી ઉગરવા માટે ક્વોટા પ્રમાણે રાજ્યને કોલસાના કોલસાનો પૂરવઠો પૂરો પાડવા કહ્યું છે. ઝડપથી ઘટી રહેલા કોલસાના ભંડારના કારણે પંજાબના થર્મલ પ્લાન્ટોને બંધ કરી દેવામાં આવ્યા છે.

પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, અનેક એકમો ઠપ્પ થઈ ગયા છે. આ સાથે જ લોકોને વીજ વપરાશ ઘટાડવાનું કહેવામાં આવ્યું છે.

અગાઉ દિલ્હી સરકારે પણ વીજળીની અછત અંગે ચેતવણી આપી ચૂકી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીને પણ ટૂંક સમયમાં વીજ સંકટનો સામનો કરવો પડી શકે છે. દેશભરમાં કોલસાની અછતના કારણે વીજ ઉત્પાદનને અસર થઈ રહી છે.

રાજસ્થાનના થર્મલ પ્લાન્ટોમાં પણ કોલસાની અછત વર્તાવા લાગી છે. જેના કારણે રાજ્યમાં વીજ કાપ ઝીંકવામાં આવ્યો છે. કેટલાક પ્લાન્ટો કોલસાની કમીના કારણે બંધ થઈ ગયા છે. જ્યારે કેટલાકમાં એક કે બે દિવસ ચાલે તેટલો કોલસો બચ્યો છે. રાજસ્થાનની સરકારે 10 મુખ્ય શહેરોમાં પાવર કટ કરવાની જાહેરાત કરી છે. ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને બિહારમાં વીજ ઉપ્તાદન કરતાં એકમો કોલસાની કમીનો સામનો કરી રહ્યાં છે.

(11:32 pm IST)