Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોલસાની અછતની અસર દેખાવા લાગી : અનેક રાજ્યોમાં ૮થી ૧૦ કલાક વીજકાપ

કોલસાના સંકટને પગલે હવે અનેક રાજ્યોમાં વીજળીનું સંકટ ઊભું થયું છે : ઝારખંડમાં કોલસાની અછતને પગલે ૨૮૫ મેગાવોટથી લઇને ૪૩૦ મેગાવોટ સુધી લોડ શેડિંગ કરવી પડી રહી છે

નવી દિલ્હી તા. ૯ : દેશમાં કોલસાની અછતની અસર વીજળીનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ પર સ્પષ્ટ નજરે પડી રહી છે. કોલસાના સંકટને પગલે હવે અનેક રાજયોમાં વીજળીનું સંકટ ઊભું થયું છે. ઝારખંડમાં કોલસાની અછતને પગલે ૨૮૫ મેગાવોટથી લઈને ૪૩૦ મેગાવોટ સુધી લોડ શેડિંગ કરવું પડી રહ્યું છે. આ કારણે ઝારખંડના ગામડાઓમાં હાલ ૮થી ૧૦ કલાક પાવર કાપ ચાલી રહ્યો છે. કોલસાની અછતની અસર બિહાર પર પણ જોવા મળી રહી છે. બિહારમાં પાંચ ગણી વધારે કિંમત ચૂકવવા છતાં વીજળી કંપનીઓ પૂરતી વીજળી નથી આપી શકતી.

ઉર્જા વિકાસ નિગમે જણાવ્યું કે, રાજયો તરફથી જેટલી માંગ છે તેની સરખામણીમાં ખૂબ ઓછી વીજળી સેન્ટ્રલ પૂલથી મળી રહી છે. વીજળી સંકટની અસર નેશનલ પાવર એકસચેન્જ પર પણ જોવા મળી રહી છે. આખા ભારતમાં હાલ ૧૦ હજાર મેગાવોટ વીજળીની અછત અનુભવાઈ રહી છે. વીજળીની અછતને પગલે નેશનલ પાવર એકસેન્જમાં પ્રતિ યૂનિટ વીજળીના દરમાં વધારો જોઈ શકાય છે. સામાન્ય રીતે પાંચ રૂપિયા પ્રતિ યૂનિટ મળતી વીજળીનો ભાવ હવે ૨૦ રૂપિયા પ્રતિ યૂનિટ સુધી પહોંચી ગયો છે.

ઝારખંડના વીજળી ઉત્પાદક પ્લાન્ટ્સ પાસે હાલ કોલસાનો મર્યાદિત ભંડાર છે. રાજય સરકારે વધારેલા ભાવ પર નેશનલ પાવર એકસચેન્જ પાસેથી વીજળી ખરીદવાની વાત કરી છે. જોકે, રાજય તરફથી વીજળીની જેટલી માંગ કરવામાં આવી રહી છે તેટલી ઉપલબ્ધ નથી. તહેવારોને પગલે આગામી દિવસોમાં વીજળીનું સંકટ વધારે ઘેરૂ બની શકે છે.

કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે ચીનમાં કોલસાની અછત અને ભારતમાં કોલસાની વધી રહેલા માંગ પર કહ્યું કે, દેશમાં કોલસાનો પૂરતો ભંડાર છે. આ ભંડારથી તમામ પ્રકારની માંગ પૂર્ણ કરી શકાય છે. તેમણે કહ્યુ કે, કોલસાની માંગ વધી છે, અમે આ માંગને પૂર્ણ કરી શકીએ છીએ. અમે વધેલી માંગને પૂર્ણ કરવાની સ્થિતિમાં છીએ. તેમણે ભાર પૂર્વક કહ્યુ કે, ચીનની જેમ ભારતમાં આવું કોઈ સંકટ નથી.

રાજયમાં વીજકાપ થશે? શું ગુજરાતમાં વીજ અછત છે? આવા મુદ્દાઓ ચર્ચામાં છે ત્યારે આ મુદ્દે રાજયના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બે દિવસ પહેલા આ અંગે વાત કરતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ભારત સહિત રાજયમાં વીજ સંકટ ઘેરું બન્યાની વાત હાલ પૂરતી નથી. હાલમાં રાજય સરકારે પાવર કટની કોઈ જાહેરાત કરી નથી. ગુજરાત સરકાર વિવિધ પાસાઓનો વિચાર કરીને ચર્ચા કરી રહી છે. આ અંગે સતત બેઠકો અને મીટિંગ યોજાઈ છે. કનુ દેસાઈએ ઉમેર્યુ કે એક કે બે દિવસ પાવર કટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નથી. ડીમાન્ડ અને સપ્લાય અનુસાર લોડ શેડિંગની પ્રક્રિયા નોર્મલ છે. રાજય સરકાર સ્થિતિ નિયંત્રણમાં રાખવા બેઠકો કરી રહી છે.

(11:00 am IST)