Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

એનસીબીના એસપીની ધરપકડ : મહિલાએ લગાવ્યો ટ્રેનમાં ગેરવર્તણૂક કરવાનો આરોપ

રાત્રે એક મુસાફરની અશ્લીલ હરકત જોઈને એક મહિલાના મોઢાથી ચીસ નીકળી ગઈ.:પોલીસે આરોપી એસપી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધ્યો : NCB ના અધિકારીઓએ કહ્યું- એસપી હાલમાં રજા પર છે

મુંબઈ : હૈદરાબાદથી પુણે આવી રહેલી ટ્રેનમાં રાત્રે એક મુસાફરની અશ્લીલ હરકત જોઈને એક મહિલાના મોઢાથી ચીસ નીકળી ગઈ. આ ચીસ સાંભળીને ટ્રેનની બોગીમાં સૂતા બીજા મુસાફરો પણ જાગી ગયા હતા અને આ મુસાફરને પકડી પાડ્યો હતો. શોરબકોર સાંભળીને ટિકિટ કલેક્ટર પણ આ બોગીમાં આવી પહોંચ્યા અને આ મહિલાનું નિવેદન નોંધ્યું. અશ્લીલ હરકત કરનાર આ આરોપી મુસાફર મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો એસપી હોવાની વાત સામે આવી. મહારાષ્ટ્ર રેલવે પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી એસપી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધ્યો છે.NCB ના અધિકારીઓએ જણાવ્યું કે, આ એસપી હાલમાં રજા પર છે.

પોલીસના જણાવ્યા મુજબ 25 વર્ષીય મહિલાએ તેના નિવેદનમાં કહ્યું છે કે તે હૈદરાબાદથી પુણે આવી રહેલી ટ્રેનમાં તે જઈ રહી હતી. બોગીમાં એક મુસાફર તેની પાસે આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે આ મહિલાની બેગમાંથી અન્ડરગાર્મેન્ટ બહાર કાઢ્યું અને પછી તેને સુંઘવા લાગ્યો. સુંઘતા-સુંઘતા તેણે પોતાની છાતી પર આ અંડરગાર્મેન્ટ મૂક્યું. પેસેન્જરને આ બધું કરતા જોઈને મહિલાના હોશ ઉડી ગયા અને ડર લાગતા તેણે બૂમ પાડી અને તેને બચાવવા માટે આસપાસની બોગીના મુસાફરોને ભેગા કર્યા.

મુસાફરોએ આ આરોપીને પકડીને ત્યારબાદ બોગીમાં ટિકિટ કલેક્ટરને બોલાવ્યા. ટિકિટ કલેક્ટરે મહિલાનું નિવેદન નોંધ્યું. ત્યારબાદ આરોપી એસપીને ઓરંગાબાદમાં પરલી રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ કસ્ટડીમાં લીધો હતો. પૂછતાછ દરમિયાન આ વ્યક્તિ NCB માં એસપીની ફરજ બજાવે છે એ વાતની પુષ્ટિ કરી.

(12:27 am IST)