Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગોબરમાંથી કમાણીઃ વીસ પ્રકારની વસ્તુઓનું કરે છે ઉત્પાદન

બિલાસપુર :.. ગાયના છાણને લોકો નકામું સમજે છે, બિલાસપુરની કવિતા ગુપ્તા તેમાંથી એવા ઉત્પાદનો તૈયાર કરે છે જેના વગર લોકોની દિનચર્યા પુરી ન થઇ શકે. કવિતા પુજા સામગ્રીમાં વપરાતી વસ્તુઓ બનાવે છે. બિલાપુર જીલ્લાના કોઠીપુરા ગામની કવિતા ગુપ્તા ગોબરના આ ઉદ્યોગમાં ધુપ, અગરબતી, હવન સામગ્રી સહિત બીજા ઉત્પાદનો તૈયાર કરે છે. દેસી ગાયના છાણમાંથી તૈયાર થતા આ ઉત્પાદનો દ્વારા કવિતા પર્યાવરણનો સંદેશ પણ આપી રહી છે.

ર૦૧૮ માં કવિતા ગુપ્તાએ બિલાસપુરમાં નાનો એવો ઉદ્યોગ સ્થાપિત કર્યો હતો. કવિતાએ પોતે આત્મ નિર્ભર બનવાની સાથે બીજા લોકોને પણ રોજગાર આપ્યો છે. તેના ઉદ્યોગ દ્વારા લગભગ રપ લોકોના ઘરનો ચુલો ચાલે છે. શરૂઆતમાં કવિતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો પણ તેણે હિંમત નહોતી હારી. સારૃં કાર્ય કરવા માટે તેને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત પણ કરાઇ ચુકી છે. હવે તે પોતાના ઉદ્યોગને વિસ્તારવા માંગે છે જેથી વધુ લોકોને રોજગાર મળે.

કવિતા આદર્શ કામધેનુ એન્ટરપ્રાઇઝના નામથી ધૂપ, અગરબતી હવન સામગ્રી જેવી ર૦ થી વધારે ચીજોનું ઉત્પાદન કરે છે. ઉત્તર ભારતમાં તેનો ઉદ્યોગ જ એવો છે જેમાં તૈયાર થતા દરેક ઉત્પાદનમાં કોઇને કોઇ રીતે દેશી ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. તે હવનકુંડમાં ઉપયોગમાં લેવાના લાકડાની જગ્યાએ દેશી ગાયના છાણમાંથી સમિધ બનાવે છે. ઉત્તર ભારતના પ્રસિધ્ધ શકિત પીઠ નયના દેવી, જવાલામુખી અને બગલા મુખી વગેરે મંદિરોમાં સમિધ અહીંથી મોકલાય છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ કવિતાના ઉત્પાદનોની માંગ વધતી જાય છે.

(12:54 pm IST)