Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પોરબંદરથી દિલ્હી-હરિયાણા સુધી બનશે 'ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા'

પર્યાવરણના સંરક્ષણ અને હરિતક્ષેત્રને વધારવાનો હેતુઃ લંબાઇ હશે ૧૪૦૦ કિમીઃ પહોળાઇ હશે પ કિમીઃ પ્રદુષણ રોકવા મહત્વનું સાબિત થશેઃ સેનેગલથી જીબુટી સુધી બનેલી હરિયાળી પટ્ટીની જેમ બનશે ગ્રીન વોલ

નવી દિલ્હી, તા.૯: કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણના સંરક્ષણ અને હરિત ક્ષેત્રને વધારવા માટે ૧૪૦૦ કિલોમીટર લાંબી 'ગ્રીન વોલ' તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધી બનેલા એક હરિયાળી પટ્ટીના તર્જ પર ગુજરાતથી લઇ દિલ્હી-હરિયાણાની સરહદ સુધી 'ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા'ને વિકસિત કરાશે. તેની લંબાઇ ૧૪૦૦ કિલોમીટર જયારે આ ૫ કિલોમીટર પહોળાઇમાં હશે. આફ્રિકામાં કલાઇમેટ ચેન્જ અને વધતા રણને ઉકેલવા માટે હરિયાળી પટ્ટીને તૈયાર કરાય છે. તેને 'ગ્રીન વોલ ઓફ સહારા'પણ કહેવાય છે.

હજુ આ વિચાર શરૂઆતના તબક્કામાં છે, પરંતુ કેટલાંય મંત્રાલયના અધિકારી તેને લઇ ખાસ્સા ઉત્સાહિત છે. જો આ પ્રોજેકટ પર મ્હોર લાગે છે તો આ ભારતમાં વધતા પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં પણ એક મિસાઇલની જેમ હશે. તેને થાર રણના પૂર્વ તરફ વિકસિત કરાશે. પોરબંદરથી લઇ પાનીપત સુધી બનનાર ગ્રીન બેલ્ટથી ઘટતા વનક્ષેત્રમાં વધારો થશે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી લઇ દિલ્હી સુધી ફેલાયેલ અરવલ્લીની પર્વતમાળાઓમાં ઘટતા હરિયણાળીના સંકટનો પણ ઘટાડો કરી શકાશે.

એટલું જ નહીં પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણથી દિલ્હી સુધી ઉડનારી ધૂળને પણ રોકી શકાશે. એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે ભારતમાં દ્યટતા વન અને વધતા રણને રોકવા માટે આ આઇડિયા તાજેતરમાં જ સંયુકત રાષ્ટ્રની કોન્ફરન્સ (ઘ્બ્ભ્૧૪)થી આવ્યો છે. જો કે હજુ આ આઇડિયા મંજૂરી માટે ફાઇનલ સ્ટેજમાં પહોંચ્યો નથી.

આફ્રિકામાં 'ગ્રેટ ગ્રીન વોલ'પર અંદાજે એક દાયકા પહેલાં કામ શરૂ થયું હતું. જો કે કેટલાંય દેશોની ભાગીદારી હોવી અને તેની અલગ-અલગ કાર્યપ્રણાલીના લીધે હજુ પણ તે હકીકતમાં બદલાય શકયું નથી. ભારત સરકાર આ આઇડિયાને ૨૦૩૦ સુધીમાં રાષ્ટ્રીય પ્રાથમિકતામાં રાખીને જમીન પર ઉતારવાનું વિચારી રહી છે. તેના અંતર્ગત ૨૬ મિલિયન હેકટ જમીનને પ્રદૂષણ મુકત કરવાનો લક્ષ્ય છે.

જો કે અત્યારે કોઇપણ અધિકારી તેના પર ખુલીને વાત કરવા તૈયાર નથી. અધિકારીઓનું કહેવું છે કે અત્યારે આ પ્લાન અપ્રૂવલ સ્ટેજ પર નથી. એવામાં તેના પર અત્યારે વાત કરવી ઉતાવળી ગણાશે. તેમણે કહ્યું કે આ ગ્રીન બેલ્ટ સતત હશે નહીં, પરંતુ અરવલ્લી રેન્જનો મોટો હિસ્સો તેના અંતર્ગત કવર કરાશે જેથી કરીને ઉજ્જડ જંગલને ફરીથી સંપૂર્ણપણે વિકસિત કરી શકાશે. એખ વખત આ પ્લાનને મંજૂરી મળ્યા બાદ અરવલ્લી રેન્જ અને અન્ય જમીન પર કામ શરૂ થશે. તેના માટે ખેડૂતોની જમીનનું અધિગ્રહણ થશે. ભારતમાં જે ૨૬ મિલિયન હેકટર જમીનને હરિયાળી કરવાનું લક્ષ્ય લેવામાં આવ્યું છે તેમાં અરવલ્લી પણ સામેલ છે.

ઇસરોએ ૨૦૧૬માં એક નકશો રજૂ કર્યો હતો તેના મતે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી એવા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે જયાં ૫૦ ટકાથી વધુ જમીન હરિયાક્ષેત્રથી બહાર છે. તેના લીધે આ વિસ્તારોમાં રણ વધવાનો ખતરો વધુ છે.

(9:56 am IST)