Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હરિયાણા ખુલ્લામાં શૌચથી મુક્ત બની ચુક્યું છે : મોદી

રોહતક જિલ્લામાં મોદીએ સંબોધન કર્યું : હરિયાણાના આશરે ૫૦ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ મળ્યા છે : છોટૂરામની ૬૪ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

રોહતક, તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સાંપલામાં દિનબંધુ સર છોટૂરામની ૬૪ ફૂટની ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આની સાથે જ મોદીએ સોનીપત જિલ્લામાં બનવા જઇ રહેલા રેલ કોચ કારખાનાનું શિલાન્યાસ કર્યું હતું. મોદીએ હરિયાણી ભાષામાં પોતાના સંબોધનમાં શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સાંપલામાં ખેડૂતોનો અવાજ, દિનબંધુ ચૌધરી જોરદારરીતે ઉઠાવતા હતા. ખેડૂતોના હિત સાથે જોડાયેલા છોટુરામની પ્રતિમાનું અનાવરણ કરવાની તેમને તક મળી છે જે તેમના માટે ખુબ સારી બાબત છે. આ પહેલા ચૌધરી છોેટુરામની યાદમાં બનેલા સંગ્રહાલયમાં પણ તેઓ પહોંચ્યા હતા. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ કરવાની તક મળી છે. ખેડૂતો માટે ઘણા બધા કામ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, છોટૂરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યા બાદ હવે ૩૧મી ઓક્ટોબરના દિવસે દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ તેઓ કરવા જઈ રહ્યા છે. બંનેએ ખેડૂતો માટે ઉલ્લેખનીય કામગીરી અદા કરી હતી. હરિયાણા, રાજસ્થાન અને પંજાબની સાથે સાથે તમામ જાગૃત લોકોને તેઓ અભિનંદન આપે છે. મોદીએ કહ્યું હતું કે, એન્જિનિયરો અને ટેકનિશિયનોને કારખાનાના પરિણામ સ્વરુપે કુશળતા હાંસલ કરવાની તક મળશે. હરિયાણામાં તેઓ પહેલા પણ કામ કરી ચુક્યા છે. છોટુરામના પ્રસંગો તેઓ પહેલા સાંભળતા રહેતા હતા. તેમની ઉલ્લેખનીય સિદ્ધિઓને સાંભળતા હતા. તેઓ પોતાના જીવનમાં તેમને જોઇ શક્યા નથી પરંતુ લોકોની જરૂરિયાતને ખુબ સારીરીતે સમજી રહ્યા હતા. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતુંકે, રાજ્યના આશરે ૫૦ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતો માટે બેંકોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સમર્થન મૂલ્યમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી લોકોની માંગ હતી તે પૂર્ણ થઇ રહી છે. આયુષ્યમાન ભારતની પ્રથમ લાભાર્થી પણ હરિયાણાની હોવાની વાત મોદીએ કરી હતી. મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીને સ્વચ્છતાના મામલામાં પ્રથમ સ્થાન મળ્યું છે. હરિયાણાના નાના ગામડાઓની પુત્રીઓ વિશ્વ મંચ ઉપર ગૌરવ વધારી રહી છે. રાજ્યમાં એક પછી એક પગલા સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે. લખવાર બંધ માટે છ રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતિ થઇ ચુકી છે. આનાથી હરિયાણાને મોટો લાભ થનાર છે.

(7:57 pm IST)