Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગજબ! આ કંપનીમાં મળે છે જોઈએ એટલી રજા

મુંબઈમાં ખૂલશે નેટફ્લિકસની ઓફિસઃ રિફ્રૂટમેન્ટ ચાલી રહી છેઃ કોઇ ભેદભાવ નથી ચલાવતી કંપની

 મુંબઈ, તા.૯ : સેક્રેડ ગેમ્સ અને ઘૂલ જેવી વેબ સીરીઝથી ઈન્ડિયામાં ધૂમ મચાવનાર નેટફ્લિકસ તેની કર્મચારીઓ માટેની પોલીસી માટે ખાસ જાણીતી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ નેટફ્લિકસમાં કર્મચારીઓને તેમને જોઈએ એટલી રજા લેવાની છૂટ છે, શરત માત્ર એટલી કે તે પોતાની જવાબદારી ન ચૂકવા જોઈએ. નેટફ્લિકસની ચીફ ટેલેન્ટ ઓફિસર જેસિકા નીલે ઈન્ડિયામાં નેટફ્લિકસની ઓફિસ શરૂ કરવા માટે મુંબઈની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં નેટફ્લિકસની કર્મચારીઓની પોલીસી અંગે પણ રસપ્રદ વાતો શેર કરી હતી.

નીલ અત્યારે ઈન્ડિયામાં નવા કર્મચારીઓની રિક્રૂટમેન્ટ કરી રહી છે. કંપની ભારતમાં મજબૂત જગ્યા બનાવવા માંગે છે. મુંબઈ દેશનું સૌથી મોટુ એન્ટરટેનમેન્ટ હબ હોવાથી કંપની અહીં ઓફિસ કરવા માંગે છે. નીલે જણાવ્યું, ઈન્ડિયા અમારા માટે નવુ માર્કેટ છે અને અમે અહીં ટેલેન્ટેડ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને સમજી રહ્યા છીએ કે અમે અહીંના અને વિશ્વના લોકોને વધુ સારુ મનોરંજન કેવી રીતે આપી શકીએ. અત્યારે ઈન્ડિયાના નેટફ્લિકસમાં ૩૦ લોકો કામ કરે છે. આવતા છ મહિનામાં આ સંખ્યા ડબલ થાય તેવી શકયતા છે. કંટેટ લાયસન્સિંગથી માંડીને, માર્કેટિંગ અને લીગલ ક્ષેત્રમાં કંપની માણસો હાયર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે નેટફ્લિકસનું હેડ કવાર્ટર અમેરિકાના લોસ ગાટોસ અને લોસ એન્જેલસમાં છે અને ત્યાં ૪૨૦૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આખા વિશ્વમાં કંપનીના ૪૯૦૦ જેટલા કર્મચારીઓ છે. કંપની અલગ અલગ વિચારધારા ધરાવતા કર્મચારીઓને હાયર કરવા માંગે છે જેથી કંપનીનો બિઝનેસ આગળ ધપાવી શકાય. નેટફ્લિકસે તાજેતરમાં જ જાતિવાદને લગતી કોમેન્ટ કરનારા સિનિયર અધિકારીની હકાલપટ્ટી કરી નાંખી હતી. નીલ કહે છે કે આવા વર્તનને કંપની બિલકુલ સાંખી નથી લેતી. કંપની સારુ વર્ક એન્વાયરમેન્ટ જળવાઈ રહે તેના પર ભાર આપે છે. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ સામે લડવું એ અમારી કંપનીનો મુખ્ય ધ્યેય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાં નેટ ફ્લિકસ માટે જેટલા કર્મચારીઓ કામ કરે છે તેમાંથી ૪૪ ટકા સ્ત્રીઓ છે. ભારતમાં તેમના સ્ટાફમાં ૫૩ ટકા સ્ત્રીઓ છે. નેટફ્લિકસ એવુ માને છે કે સતા કર્મચારીઓના હાથમાં હોવી જોઈએ. નીલ જણાવે છે, અમે અમારા કર્મચારીઓમાં ઘણો વિશ્વાસ મૂકીએ છીએ. આથી અમારી કંપનીમાં બહુ નિયમો, પોલીસીઓ અને પ્રોસેસ નથી. અમારી એક જ ફિલોસોફી છે કે કંપનીના પૈસા તમારા પોતાના પૈસાની જેમ વાપરો. તેમનું માનવું છએ કે પોલીસી અને પ્રોસેસ કંપનીનો ગ્રોથ ધીમો પાડી દે છે. આથી તે આ બધામાંથી બહાર આવી જવા માંગે છે જેથી કર્મચારીઓ ઝડપથી આગળ વધી શકે.

(3:57 pm IST)