Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પરપ્રાંતીય કામદારો વગર પાંગળા બન્યા ગુજરાતના વેપાર-ધંધા : દિવાળી ટાંણે ધંધો ઠપ્પ

કહેવાય છે કે, ધંધો તો ગુજરાતીના નસ નસમાં વહે છે, પરંતુ આ જ ધંધાને ચલાવવા માટે જે મજૂરોને જરૂર પડે છે, તે તો ઉત્ત્।ર ભારતના છે ત્યારે પરપ્રાંતીયોની અસર જો વધુ થઈ તો, લાંબા સમય સુધી કોઈ કામદારો પરત નહિ ફરે તો ગુજરાતીઓનો વેપાર ધંધો પડી ભાંગે તેવા અણસારો હાલ તો દેખાઈ રહ્યાં છે

નવી દિલ્હી તા. ૯ : ગુજરાતમાં હાલ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા અન્ય ટ્રાન્સપોર્ટ વિસ્તારોમાં નજર ઘૂમાવશો તો બધી જગ્યાઓએ તમને યુપી-બિહારવાસીઓ દેખાતા હશે. બસ, ટ્રેન, પ્રાઈવેટ વાહનોમાં જયાં જગ્યા મળે ત્યાં લટકીને પ્રવાસ કરવા પણ તેઓ મજબૂત થઈ રહ્યાં છે. કારણ સૌને ખબર છે. ઉત્તર ગુજરાતમાંથી ફૂંકાયેલી પરપ્રાંતીયો પર હુમલાની આંધીએ સમગ્ર ગુજરાતને ધમરોળીને મૂકી દીધું છે. પણ, સૌથી મોટી અસર ગુજરાતની કમાણી પર થઈ છે. પરપ્રાંતીયોની હિજરત થવાને કારણે સૌથી મોટી અસર ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર થઈ છે. કામદારો વગર ગુજરાતની અનેક કંપનીઓ, ઈન્ડસ્ટ્રીય વિસ્તારોમાં કાગડા ઉડતા દેખાઈ રહ્યાં છે. મજૂર નહિ, તો કામ પણ નહિ. જેની સીધેસીધી અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતમાં સંગઠિત-અસંગઠિત કુલ ૨ કરોડ કામદારો હોવાનો આંકડો છે. જેમાંથી ૫૦ લાખ તો ઉત્ત્।ર ભારતીયો જ છે. ગુજરાતની અનેક ઈન્ડસ્ટ્રીઝ એવી છે, જયાં ઉત્ત્।ર ભારતના જ મજૂરો છે, જેને કારણે વેપાર-ધંધો ભાંગી પડ્યો છે. ડરના માર્યે તેઓ હિજરત કરી રહ્યાં છે. આંકડો કહે છે કે, અત્યાર સુધી ૨૦ હજાર ઉત્તર ભારતીયો ગુજરાતમાંથી હિજરત કરી ચૂકયા છે. ત્યારે ગુજરાતના વેપાર-ધંધામાં ઉત્તર ભારતીયોનો કેટલો રોલ છે, અને તેની કેવી કેવી અસર પડી છે. તે જોઈ લઈએ.

કયા કયા ઊદ્યોગોને અસર

ઓટો, રોડ કન્સ્ટ્રકશન, રોલિંગ, ફાર્મા, ટેકસટાઈલ, ડાયમંડ કટિંગ, સિરામિક, સિમેન્ટ, જવેલરી, સ્ટીલ,

ગુજરાતમાં કયા ક્ષેત્રમાં કેટલા ઉત્ત્।ર ભારતીય કામદારો

સૌરાષ્ટ્ર - ૮ લાખથી વધુ - જામનગર રિફાઈનરી, શાપર ઔદ્યોગિક ઝોન, મેટોડા ઔદ્યોગિક ઝોન, ભકિતનગર લઘુ ઉદ્યોગો, મોરબી-વાંકાનેર સિરામિક ઉદ્યોગો, જેતપુર સાડી ઉદ્યોગ, જામનગર ઉદ્યોગ છે.

દક્ષિણ ગુજરાત - ૧૩ લાખથી વધુ -ટેકસટાઈલ, જેમાં વાપી, પારડી, મોરાબી, ઉંમરગામ, સરીગામ ઈન્ડસ્ટ્રીઝ પર અસર પડી છે.

કચ્છ - ૧ લાખથી વધુ - ટીમ્બર ઉદ્યોગ, કંડલા સેઝ, કંડલા પોર્ટ, અદાણી પોર્ટ, અદાણી સેઝ, સ્ટીલ કંપનીઓ, સિમેન્ટ ઉદ્યોગ, સોના-ચાંદીનો વ્યવસાય છે.

અમદાવાદ - ૨ લાખ ૫૦ હજારથી વધુ  - ફાર્મા ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાતને અસર પડી છે.

ઉત્તર ગુજરાત - ૩.૫ લાખની આસપાસ - મહેસાણા જીઆઈડીસી, સાણંદ ઈન્ડસ્ટ્રીઝ, વિઠ્ઠલાપુર ઈન્ડસ્ટ્રીઝ, સાબરકાંઠા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો છે.

મધ્ય ગુજરાત - ૫ લાખની આસપાસ - વાઘોડિયા જીઆઈડી, પોર જીઆઈડીસી, મંજુસર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, સાવલી જીઆઈડીસી આવેલ છે.

કયારે ફરથી ધમધમશે આ ઉદ્યોગો

ગુજરાતમાં હાલ જે સ્થિતિ છે, અને પરપ્રાંતીયોમાં જે ડરનો માહોલ છે, તે જોતા કહી શકાય કે, આગામી ત્રણ મહિના સુધી આ લોકો પરત આવે તેવી કોઈ શકયતા નથી.

ગુજરાતની મોટાભાગની ઈન્ડસ્ટ્રીઝ કામદારો પર આધારિત છે. જેમાંથી ૫૦ ટકા પરપ્રાંતીયો છે તેવું કહી શકાય. ગુજરાતના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડી શકે છે. કારણ કે, ત્રણ મહિના સુધી આ લોકો પરત ફરે તેવી શકયતા નથી. જેની સીધી અસર પ્રોડકશન પર થઈ રહી છે. આ ફેસ્ટિવલ સીઝનમાં પ્રોડકશન પર ૨૦ ટકા અસર થાય તેવું એકસપર્ટસનું કહેવું છે. મહેસાણા જીઆઈડીસીમાં ૭૦ ટકા મજુરો વતન ફરી ચુકયા છે. બીજી તરફ સાણંદમાંથી પણ ૪૦૦૦ પરપ્રાંતીયો વજન છોડી ચૂકયા છે. સુરત, કચ્છ, મોરબી, જામનગર અને રાજકોટમાં પરપ્રાંતીયોની વધુ વસ્તી છે.

ફાર્મા કંપની પર અસર

ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મેન્યુફેકચરિંગ હબ કહેવાય છે. ગુજરાતભરમાં ૩૩૦૦ મેન્યુફેકચરિંગ યુનિટ્સ આવેલા છે. જેમાં મોટા નામ સનફાર્મા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, કેડીલા હેલ્થકેર અને ઈન્ટાસ છે. ભારતના ફાર્માસ્યુટિકલ વેપારમાં ગુજરાતનો ફાળો ૨૮ ટકાની આસપાસ છે. ગુજરાતની અનેક ફાર્મા કંપની નોર્થ ભારતમાંથી આવતા મજૂરોને હાયર કરે છે, જેથી હાલ આ ફાર્માને મોટો ફટકો પડ્યો છે.

ગુજરાતીઓને નોકરી આપો

આ સમગ્ર મામલે ગુજરાત લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનીસ્ટર દિપીલ ઠાકોરે કહ્યું કે, ગુજરાતની ૮૫ ટકા નોકરીઓ લોકલ યંગસ્ટર્સને આપવી જોઈએ. આ મામલે અમે લિગલ તથા પોલિસી બાબતે ચર્ચા કરી રહ્યાં છે. અમે એવો કાયદો બનાવી રહ્યાં છે કે, ગુજરાતમાં આવતી દરેક ઈન્ડસ્ટ્રીઝે ૮૫ ટકા નોકરીઓ સ્થાનિક ગુજરાતીઓને આપવી.

કહેવાય છે કે, ધંધો તો ગુજરાતીના નસ નસમાં વહે છે. પરંતુ આ જ ધંધાને ચલાવવા માટે જે મજૂરોને જરૂર પડે છે, તે તો ઉત્ત્।ર ભારતના છે. ત્યારે પરપ્રાંતીયોની અસર જો વધુ થઈ તો, લાંબા સમય સુધી કોઈ કામદારો પરત નહિ ફરે. અને તો ગુજરાતીઓનો વેપારધંધો પડી ભાંગે તેવા અણસારો હાલ તો દેખાઈ રહ્યાં છે.

(3:47 pm IST)