Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બ્રહ્મોસ અંગેની માહિતી પાકિસ્તાન અને અમેરિકાને સોંપી ? :ડીઆરડીઓ કર્મચારી નિશાંતની ધરપકડ

યુપી એટીએસ દ્વારા મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપી લીધો

નવી દિલ્હી :ભારતીય સુરક્ષા એજન્સીઓેને મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ એટીએસએ મહારાષ્ટ્રના નાગપુરથી એક ડીઆરડીઓ કર્મચારી નિશાંત અગ્રવાલની ધરપકડ કરી છે.આ કર્મચારી પર સુરક્ષા સાથે સંકળાયેલી માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇને આપવાનો આરોપ છે. આ કર્મચારી ભારતની મહત્ત્વપૂર્ણ મિસાઇલ બ્રહ્મોસથી સંકળાયેલી માહિતી પાકિસ્તાન અને અમેરિકાને આપી રહ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે નાગપુરના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના  બ્રહ્મોસ યુનિટમાં નિશાંત અગ્રવાલ કાર્યરત હતો. સોમવાર સવારે જ આ યુનિટમાં ઉત્તર પ્રદેશ એટીએસ અને ઇન્ટેલિજન્સ મિલિટ્રી, દિલ્હી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.

નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે તેમણે બ્રહ્મોસ મિસાઇલ સાથે સંકળાયેલી ટેકનિકલ માહિતી અમેરિકા અને પાકિસ્તાનની એજન્સીને આપી હતી.

  નિશાંત અગ્રવાલ ઉત્તરાખંડના રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી ડીઆરડીઓના નાગપુર યુનિટમાં કાર્યરત છે. આ અગાઉ રવિવાર રાતે પણ આ ટીમે કાનપુરથી એક મહિલાની ધરપકડ કરી હતી. જો કે તેની પાસેથી કશું પણ મળ્યું ન હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ ઓછી ઉંચાઇએ ઉડતી હોવાથી રડારની પકડમાં આવતી નથી. ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાના મસ્કવા નદીના નામથી બ્રહ્મોસ નામ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયાએ મળીને આ મિસાઇલનું નિર્માણ કર્યુ હતું. બ્રહ્મોસ 3700 કિમી પ્રતિ કલાકની ઝડપે 290 કિલોમીટર સુધી ત્રાટકી શકે છે

(1:04 pm IST)