Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પાકિસ્‍તાન કંગાળ થવાના આરે : IMFના શરણે

વાત વાતમાં પરમાણુ હુમલો કરી દેવાની ડંફાસો મારતું

નવી દિલ્‍હી તા. ૯ : વાત વાતમાં પરમાણું હુમલો કરી દેવાની ડંફાસો મારતું પાકિસ્‍તાન કંગાળ થવાના આરે છે. દેશમાં વ્‍યાપી રહેલા આર્થિક સંકટનો સામનો કરવા બેલઆઉટ પેકેજ માંગવા ઈન્‍ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના શરણે જશે. પરંતુ અમેરિકાએ આ બેલઆઉટ પેકેજને લઈને આઈએમએફને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે.

પાકિસ્‍તાને શરૂઆતી ખચકાટ અને વિલંબ બાદ આ પગલું ભરવાની જાહેરાત કરી છે. આઈએમએફ સાથે સંપર્ક કરવાનો નિર્ણય પાકિસ્‍તાને વડાપ્રધાન ઈમરાન ખાને જ લીધો છે. જોકે ઈમરાન ખાને જ દેશની અર્થવ્‍યવસ્‍થાને મદદ કરતા આ પગલાઓનો ભૂતકાળમાં વિરોધ પણ કરી ચુક્‍યાં છે.

નાણાં પ્રધાન અસદ ઉમરે જણાવ્‍યું હતું કે, ચર્ચા અને વિચાર કર્યા બાદ વડાપ્રધાન દ્વારા આ નિર્ણયને મંજૂરી આપ્‍યા બાદ આઈએમએફ સાથે વાતચીત શરૂ કરવામાં આવશે. જો પાકિસ્‍તાન સરકાર IMF પાસે જશે તો અત્‍યાર સુધીમાં આ તેનું ૧૩મું બેલઆઉટ પેકેજ હશે. યૂએસ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ પીસના સેહર તારીકનું કહેવું છે કે, નિકાસ નબળી છે, દેવું વધી રહ્યું છે જે એક દેશ માટે ખરાબ સંકેત છે.

બીજી બાજુ પાકિસ્‍તાનની દેવામાફી માટે આઈએમએફ તરફથી બેલઆઉટ પેકેજ આપવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પહેલા જ ચેતવણી આપી દીધી છે. ટ્રમ્‍પે આઈએમએફને ચેતવણી આપતા કહ્યું હતું કે, બેલઆઉટ દ્વારા મળનારી રકમનો ઉપયોગ પાકિસ્‍તાન ચીનને ઉધાર ચુકવવા માટે જ કરી શકે છે.

(10:58 am IST)