Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ટુંક સમયમાં વધી શકે છે તમારૂ મોબાઇલ બિલ

‘‘પ્રાઇસ વોર'' સમાપ્તઃ ટેલીકોમ કંપનીઓ વધારશે ટેરિફ

નવી દિલ્‍હી તા.૯: ટેલિકોમ સેકટરમાં લાંબા સમય સુધી ઊથલપાથલ રહ્યા બાદ હવે તેમાં સ્‍થિરતા આવી છે. છેલ્લાં ત્રણ કવાર્ટરથી સ્‍થિતિ સામાન્‍ય છે અને ઉદ્યોગના એકિઝકયુટિવ્‍સ તથા નિષ્‍ણાંતો માને છે કે આગામી બે કવાર્ટરમાં ટેરિફમાં વધારો થશે. ભારતીય ટેલિકોમ ગ્રાહકોએ બે વર્ષ સુધી અત્‍યંત નીચા ભાવે ટેલિકોમ સેવા મળવી હતી, પરંતુ હવે ભાવ બોટમ - આઉટ થશે.

આગામી બે કવાર્ટરમાં રેટમાં ફેરફાર થશે અને છ મહિના પછી પ્રાઇસિંગ પાવર પરત આવે તેવી શકયતા છે. જોકે, તેમાં રિલાયન્‍સ જીઓ ઇન્‍ફોકોમની નીતિ પર નજર રહેશે જેણે જાન્‍યુઆરીથી ભાવ સ્‍થિર રાખ્‍યા છે.

સપ્‍ટેમ્‍બર ૨૦૧૬માં જીઓના આગમન બાદ ટેરિફમાં કડાકો આવ્‍યો હતો અને તમામ હરીફ કંપનીઓએ ગ્રાહકો જાળવવા માટે ભાવ ઘટાડવા પડયા હતા. તેના કારણે ડેટા અને વોઇસમાં અભૂતપુર્વ હરીફાઇ થઇ હતી. તેમાં ગ્રાહકોને ફાયદો થયો અને સ્‍થાપિત કંપનીઓને નુકસાન થયું હતું. આવી સ્‍થિતિમાં ટકી ન શકનારી નાની કંપનીઓએ વિદાય લેવી પડી. અત્‍યારે જૂની કંપનીઓમાં વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલ તથા નવી ટેલિકોમ કંપનીઓમાં જીઓ ઉપસ્‍થિત છે. તેથી તેમની પાસે પ્રાઇસિંગ પાવર આવશે. આ અંગે વોડાફોન આઇડિયા, ભારતી એરટેલ અને જીઓએ કોઇ ઉત્તર આપ્‍યો ન હતો. નબળા રૂપિયા અને વધતા જતા બોન્‍ડ યીલ્‍ડના કારણે નાણાખર્ચ વધી ગયો છે જેથી નાણાકીય દબાણ હેઠળ રહેલી કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય કોઇ વિકલ્‍પ નથી.

આઇઆઇએફએલના એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડેન્‍ટ, માર્કેટ્‍સ અને કોર્પોરેટ અફેર્સ, સંજીવ ભસિને ઇટીને જણાવ્‍યું કે, ‘‘મોબાઇલ ગ્રાહકો માટે મફતમાં સુવિધાઓના દિવસો પૂરા થવાના છે. ઊંચા નાણાકીય ખર્ચના કારણે ટેલિકોમ કંપનીઓ દબાણ હેઠળ છે અને તેમણે આગામી બે કવાર્ટરમાં દરમાં વધારો કરવો પડશે.''

એપ્રિલ ૨૦૧૯ પછી ભાવમાં વધારો થશે તેમ તેમણે કહ્યું હતું.

જીઓ પછી મોટા ભાગના ટેરિફ પેક બંડલ્‍ડ ઓફર છે તેથી ટેલિકોમ કંપનીઓ તેમાં ફેરફાર કરીને ગ્રાહકોને હાઇ-વેલ્‍યૂ ડીલ તરફ આકર્ષવા પ્રયાસ કરશે જેથી ડેટા અને ફ્રી વોઇસ કોલથી સમાન રકમ મળી શકે. એકંદરે આવક વધારવા માટે અમુક બન્‍ડલ્‍ડ પેકના માસિક ભાડામાં થોડો વધારો કરવામાં આવશે. તેઓ વોઇસ એન ડેટા માટે અલગ અલગ પ્‍લાન રજૂ કરે તેવી પણ શકયતા છે.

છેલ્લે ટેલિકોમ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો જાન્‍યુઆરીમાં થયો હતો જયારે જીઓએ ટેલિકોમ ક્ષેત્રે સોૈથી સસ્‍તા પ્‍લાન લોન્‍ચ કર્યો હતો.

(10:12 am IST)