Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજસ્‍થાનમાં ઝીકા વાઇરસે મચાવ્‍યો કાળોકેરઃ PMOએ માગ્‍યો રિપોર્ટ

જયપુરમાં ૨૨ લોકોને ઝીકા વાઇરસ હોવાની પુષ્‍ટી

નવી દિલ્‍હી તા. ૯ : રાજસ્‍થાનની રાજધાની જયપુરમાં ૨૨ લોકોને ઝીકા વાઈરસ હોવાની પુષ્ટી થઈ છે. આ મામલે વડાપ્રધાન મંત્રાલય (PMO)એ વાઈરસના પ્રસાર અંગે સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય પાસે વ્‍યાપક રિપોર્ટ માગ્‍યો છે. જયપુરમાં આ વાઈરસનો શિકાર બનેલા વ્‍યક્‍તિઓમાં એક બિહારની વ્‍યક્‍તિ છે અને હાલમાં જ જિલ્લા સ્‍થિત પોતાના ઘરે ગયો હતો. બીજી તરફ આ મામલો સામે આવ્‍યા પછી બિહાર સરકારે પોતાના ૩૮ જિલ્લાઓને સલાહ આપીને આવા લોકો પર બારીકાઈથી નજર રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ રાજસ્‍થાનમાં કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે પીએમઓએ જયપુરમાં ઝીકા વાઈરસના પ્રસાર પર વ્‍યાપક રિપોર્ટ માગ્‍યો છે. નિયંત્રણ ઉપાયોમાં રાજસ્‍થાન સરકારની મદદ માટે સાત સભ્‍યોની ઉચ્‍ચસ્‍તરીય ટીમ જયપુરમાં બનાવાઈ છે. અધિકારીના જણાવ્‍યા પ્રમાણે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્‍દ્ર (NCDC)માં એક નિયંત્રણ કક્ષ તૈયાર કરવામાં આવ્‍યો છે જેથી નિયમિત નજર રાખી શકાય.

બીજી તરફ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સ્‍તર પર સ્‍થિતિની સમિક્ષા કરવામાં આવી રહી છે. મંત્રાલયે એક નિવેદનમાં સોમવારે કહ્યું કે, આજની તારીખે કુલ ૨૨ મામલા સામે આવ્‍યા છે. જયપુરના નિヘતિ વિસ્‍તારમાં તમામ સંદિગ્‍ધ મામલા અને વિસ્‍તારના મચ્‍છરોના નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે. વાઈરસની તપાસ અને રોગની ઓળખ માટે લેબોરેટરીઓમાં વધારાની તપાસ ટીમ મોકલાઈ છે.

રાજય સરકારે ઝીકા વાઈરસ અને તેના નિવારણ માટે રણનીતિ બનાવવા અને જાગૃતિ ફેલાવવા માટે સૂચના અને માહિતી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્‍યું કે આ વિસ્‍તારમાં તમામ પ્રેગનેન્‍ટ મહિલાઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઝીકા વાઈરસ જનિત રોગ દુનિયાભરમાં ૮૬ દેશોમાં નોંધાયો છે. ભારતમાં જાન્‍યુઆરી ૨૦૧૭માં પહેલી વખત આ રોગ ફેલાવાની પુષ્ટી અમદાવાદમાં થઈ હતી. તે પછી તામિલનાડુમાં તેની પુષ્ટી થઈ હતી.

આ તરફ વસુંધરા રાજે સરકાર પર હુમલો કરીને કોંગ્રેસના વરિષ્ઠ અને પૂર્વ CM અશોક ગહેલોતે કહ્યું કે, ‘સ્‍વાઈન ફલૂના દર્દીઓની સંખ્‍યા દર વર્ષે વધી રહી છે, અને હવે ઝીકા વાઈરસ પણ રાજસ્‍થાનમાં પ્રવેશ કરી રહ્યો છે. આ તમામ સ્‍થિતિમાં રાજયને જકડી રહેલા સંવેદનશીલ મુદ્દા સરકારની બેદરકારીને છતી કરે છે. હવે મુખ્‍યમંત્રીની ગૌરવયાત્રા પૂર્ણ થઈ ગઈ છે અને તેના માટે તમે આ રાજય પ્રત્‍યે પોતાના કર્તવ્‍યોનું નિર્વહન કરો.'

(10:08 am IST)