Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હેલ્‍મેટ ન પહેરવાને કારણે રોજ ૯૮ ચાલકોના મોત

ચોંકાવનારો રિપોર્ટ ૨૦૧૬માં કુલ ૧.૫૧ લાખ તો ૨૦૧૭માં ૧.૪૮ લાખ સ્‍કુટર - બાઇક ચાલકોના મોત : ચાલુ વાહને ફોન પર વાત કરવાના કારણે રોજ ૯ લોકો ગુમાવે છે જીવ

નવી દિલ્‍હી તા. ૯ : આપણે ત્‍યાં ઘણા લોકોને સ્‍પીડ બાઈક લેવાનો શોખ તો હોય છે પણ તેના માટે જરુરી પ્રિકોશન લેવાની વાત આવે ત્‍યારે આપણે ઊણાં ઉતરીએ છીએ. સ્‍પોર્ટ બાઈક નહીં તો સામાન્‍ય બાઈક કે સ્‍કૂટર ચલાવીએ ત્‍યારે પણ હેલ્‍મેટ પહેરવી જોઈએ તેવું અનેક સરકારી જાહેર ખબરમાં કહેવામાં આવે છે. પણ આપણે હેલ્‍મેટ ન પહેરવાનું કોઈને કોઈ કારણ શોધી લેતા હોઈએ છીએ. પરંતુ કદાચ આ આંકડા તમારી આંખ ઉઘાડી દે અને તમે બાઈક ચલાવતી વખતે હેલ્‍મેટ તેમજ કાર ચલાવતી વખતે સીટબેલ્‍ટ બાંધતા થઈ જાવ.

તાજેરતના રોડ એક્‍સિડેન્‍ટ રિપોર્ટ મુજબ દેશભરમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન દરરોજ હેલ્‍મેટ ન પહેરવાના કારણે ૯૮ બાઇક સવારોના મોત થયા છે. જયારે આ જ રીતે સીટ બેલ્‍ટ ન પહેરવાના કારણે કાર એક્‍સિડેન્‍ટમાં ૭૯ લોકોના મોત થયા છે. બીજી આપણી સૌથી મોટી બેદરકારીની વાત કરવામાં આવે તો ચાલુ વાહને ફોન પર વાત કરવાના કારણે ગત વર્ષમાં દરરોજ ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે.

સોમવારે રાજય સરકારના પોલીસ અને ટ્રાન્‍સપોર્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં જોકે એક બાબત થોડી રાહત દાયક હતી કે વર્ષમાં કુલ એક્‍સિડેન્‍ટ મૃત્‍યુઆંક ૨૦૧૬ના ૧.૫૧ લાખ કરતા થોડો ઘટીને ૧.૪૮ લાખ સુધી આવ્‍યો છે. ૨૦૧૭માં એક્‍સિડેન્‍ટ દરમિયાન મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓ પૈકી સૌથી વધુ મૃત્‍યુ પાછળનું કારણે જે તે વ્‍યક્‍તિએ બાઈક કે કાર ચલાવતી વખતે પૂરતી તરેકદારીના પગલા અને જરુરી સુરક્ષા નહોતી લીધી. જેમ કે ૨૦૧૬માં ૧૦,૧૩૫ લોકો એવા હતા જેમણે જરૂરી માપદંડ સાથેની હેલ્‍મેટ ન પહેરી હોવાના કારણે જીવ ગુમાવ્‍યો હતો પરંતુ ૨૦૧૭માં આ આંકડો ઘણો વધારે વધીને ૩૬,૦૦૦ પર પહોંચી ગયો છે.

આ પ્રકારના એક્‍સિડેન્‍ટલ મૃત્‍યુમાં ૫૨૧૧ વ્‍યક્‍તિઓના મોત સાથે તામિલનાડુ સૌથી હાઈએસ્‍ટ પોઇન્‍ટ પર છે. તો ૪૪૦૬ના  આંક સાથે ઉત્તરપ્રદેશ બીજા નંબરે અને ૩૧૮૩ લોકોના મોત સાથે મધ્‍યપ્રદેશ ત્રીજા નબરે છે. રિપોર્ટમાં જણાયા પ્રમાણે બાઇક એક્‍સિડેન્‍ટમાં મૃત્‍યુ પામનાર કુલ વ્‍યક્‍તિઓ પૈકી દેશમાં ૪૨% લોકો એવા હતા જેઓ પાછળ બેઠા હતા. કેમ કે આપણે જયારે બાઈક ચલાવનાર હેલ્‍મેટ માંડ કરીને પહેરે છે ત્‍યારે પાછળ બેસનાર તો ભાગ્‍યે જ હેલ્‍મેટ પહેરે છે.

રોડ એક્‍સિડેન્‍ટમાં અચાનક જ સેફટી ગીઅર વગરના મૃત્‍યુઆંકમાં વધારાને રોડ સેફટી એક્‍સપર્ટ એ રીતે જુવે છે કે હવે આ રિપોર્ટ તૈયાર કરતી વખતે એક્‍સિન્‍ડેન્‍ટના કેસમાં મૃત્‍યુના કારણ પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૭માં અહેવાલ તૈયાર કરવા માટે સરકારે આ ત્રણ મુખ્‍ય ટ્રાફિક નિયમના તોડવા બાબતે વધુ ધ્‍યાન આપ્‍યું હતું.

(10:08 am IST)