Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભાજપને મુંઝવતો સવાલ

હવે કયા મોઢે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપવા માટે યુપી - બિહાર જવું?

નવી દિલ્‍હી તા. ૯ : વડા પ્રધાન મોદીના હસ્‍તે ૩૧મી ઓક્‍ટોબરે જેનું ઉદ્‌ઘાટન થવાનું છે, તે સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમનું આમંત્રણ દેશના તમામ રાજયના રાજયપાલ તથા મુખ્‍યમંત્રીઓને આપવાનું આયોજન ગુજરાતની ભાજપ સરકારે કર્યું હતું. એટલું જ નહીં, આ આમંત્રણ આપવા ખુદ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી અને અન્‍ય મંત્રીઓ વિવિધ રાજયમાં જવાના હતા. મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આગામી સપ્તાહે મંગળવાર- બુધવારે ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ્‍ને આમંત્રણ આપવા જવાના છે. ગુજરાતમાં પરપ્રાંતિઓ પર હુમલાની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે, ત્‍યારે અન્‍ય રાજયોમાં આમંત્રણ આપવા જનારા મંત્રીઓ અને તેમાંય ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશમાં આમંત્રણ આપવા જનારા શરમજનક સ્‍થિતિમાં મુકાય એ સ્‍વાભાવિક છે. પરિસ્‍થિતિની ગંભીરતા સમજી સરકારે પરપ્રાંતિઓની સુરક્ષા માટે પૂરતા પગલા લીધા છે, પણ તેમ છતાં પરિસ્‍થિતિ થાળે ન પડે તો આમંત્રણ આપવા જવાના મંત્રીઓના આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે એમ સુત્રો જણાવે છે.

૧૪ માસની બાળા પર દુષ્‍કર્મને પગલે પરપ્રાંતિઓ પર હુમલા અને તેમની હિજરતના સમાચારો રાષ્ટ્રીય સમાચાર માધ્‍યમોમાં ચમક્‍યા તેને પગલે આજે બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે ખુદ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. આવા સ્‍થિતિમાં ઉદ્‌ઘાટન સમારંભમાં આમંત્રણ આપવા જવાનું થાય તો કેવી સ્‍થિતિ ઊભી થાય એ સહેજે સમજી શકાય એવી વાત છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીના લોકાપર્ણનું આમંત્રણ લઈને આસામ પહોંચી ગયા છે. જો કે, તેમના સિવાયના અન્‍ય મંત્રીઓને સોંપાયેલા રાજયોમાં પ્રવાસની તારીખો નક્કી થઈ ગઇ હોવા છતાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્ર, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ઝારખંડ, ઉર્જામંત્રી સૌરભ પટેલ બિહાર સરકારને આમંત્રણ આપવા જવાના છે. ૬થી ૧૮ ઓક્‍ટોબર દરમિયાન વિવિધ મંત્રીઓ વિવિધ રાજયોમાં આમંત્રણ આપવા જવાના હતા. જોકે છેલ્લી ઘડીએ આમાં ફેરફાર થવાની શક્‍યતા છે. મુખ્‍યમંત્રીની જેમ અન્‍ય મંત્રીઓના આમંત્રણ આપવા માટેના પ્રવાસની તારીખો નક્કી થઇ ગઇ છે કે કેમ તે અંગે પૂછતાં શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે બુધવારે કેબિનેટની બેઠક પહેલા તારીખો નક્કી થઈ જશે. ગુજરાતમાંથી મંત્રીને જે રાજયમાં જવાનું છે ત્‍યાં મુખ્‍યમંત્રી- રાજયપાલનો સમય અનુકૂળતાને ધ્‍યાને રાખીને પ્રવાસ ગોઠવાય છે. જોકે તેમણે એવી સ્‍પષ્ટતા પણ કરી હતી કે ૧૮મી ઓક્‍ટોબર પહેલા તમામ રાજયોને આમંત્રણો આપી દેવાશે.

(9:58 am IST)