Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પરપ્રાંતિયોમાં હજુય ખોફનો માહોલઃ ઘટનાક્રમથી મોદી-શાહ ભારે નારાજ

ગુજરાતમાં હિન્‍દી ભાષીઓ પર હુમલા ભાજપ માટે ચિંતાની બાબતઃ મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીગઢની ચૂંટણીને જોતા ભાજપ કોઈ પણ પ્રકારનો નિષ્‍ફળ સંદેશો આપવા માંગતુ નથીઃ મોદી-શાહે ગુજરાતના મુખ્‍યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રી પટેલ પાસેથી વિગતો મેળવી : કુલ ૧ લાખ લોકો પલાયન થયાઃ અમદાવાદમાં ૪૭ ઉત્તર ભારતીયોને બંધક બનાવાયા હોવાની પણ ચર્ચાઃ મુખ્‍યમંત્રીએ સુરક્ષાની ખાત્રી આપીઃ ગુજરાત છોડી નહિ જવા અપીલ કરી

નવી દિલ્‍હી, તા. ૯ : ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર હુમલા અને પલાયનના મામલાને ખુદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ભાજપના અધ્‍યક્ષ અમિત શાહે ગંભીરતાથી લીધો છે. માસુમ ઉપર રેપની ઘટના બાદ ઉત્તર ભારતીયો ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો ઉપર હુમલાને યોગ્‍ય રીતે હેન્‍ડલ ન કરવા બદલ બન્નેએ ગુજરાતના મુખ્‍યમંત્રીથી નારાજી વ્‍યકત કરી છે. જાણવા મળે છે કે, પીએમ મોદી અને ભાજપના પ્રેસિડેન્‍ટ અમિત શાહે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્‍યમંત્રી નિતીન પટેલને કથીત રીતે ફટકાર લગાવી છે. મોદી અને શાહ બન્ને ગુજરાતથી આવે છે અને તેવામાં આ બધુ જે થઈ રહ્યુ છે તેનાથી તેની પ્રતિષ્‍ઠાને નુકશાન પહોંચે તેમ છે. દરમિયાન હજુ ઉત્તર ભારતીયોમાં ખોફ જણાઈ રહ્યો છે. અત્‍યાર સુધીમાં ૧ લાખથી વધુ પરપ્રાંતીયોએ ગુજરાત છોડી દીધુ હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો વિરૂદ્ધ હિંસાને નિયંત્રીત ન કરવા માટે પીએમ અને શાહે રૂપાણી અને પટેલને ફટકાર લગાવી છે. સૂત્રોનું કહેવુ છે કે ગુજરાતમાં હિન્‍દીભાષીઓ પર હુમલા એ ભાજપ માટે ચિંતાની વાત છે અને તેથી જ મોદી અને શાહે મામલાને ગંભીરતાથી લીધો છે. મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં ચૂંટણીને જોતા ભાજપ કોઈ પ્રકારની નિષ્‍ફળતાનો સંદેશ આપવા નથી માંગતી. જો કે પલાયન પર ગુજરાતનું વહીવટી તંત્ર કહે છે કે, લોકો તહેવારને કારણે ઘરે પાછા ફરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ઉપર હુમલાના લગભગ ૫૦ મામલા ગુજરાતમા નોંધાયા છે અને ૪૩૧ વ્‍યકિતની ધરપકડ થઈ છે. આવી ઘટનાઓ મુખ્‍યત્‍વે હિંમતનગરમા થઈ છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ બાદ હવે વડોદરા, આણંદ, પંચમહાલ જેવી જગ્‍યા પર હુમલા થયા છે. જ્‍યાં ઠાકોર સમાજની વસ્‍તી વધારે છે. જે બાળકી પર રેપ થયો છે તે ઠાકોર સમાજની છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીએ કહ્યુ છે કે છેલ્લા ૪૮ કલાકમાં કોઈ ઘટના બની નથી, પરંતુ સીએમનો આ દાવો એ સમયે ફેઈલ થતો જોવા મળ્‍યો કે જ્‍યારે સમાચાર આવ્‍યા કે અમદાવાદમાં લગભગ ૪૭ ઉત્તર ભારતીયોને બંધક બનાવ્‍યામાં આવ્‍યા છે. ગુજરાતમાં ઉત્તર ભારતીયોમાં હજુ ખોફનો માહોલ છે. ગઈકાલે પણ ગુજરાતથી ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ હતી. વડોદરામાં પણ કેટલાક ઉત્તર ભારતીયો પાછા ફરી રહ્યા છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીએ લોકોને હિંસામાં સામેલ નહી થવા અને ઉત્તર ભારતીયોને પાછા ફરવા અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે, અમે કાયદો વ્‍યવસ્‍થા જાળવવા માટે વચનબદ્ધ છીએ. જે કોઈને ધમકી મળે તો તેઓ પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસે જ્‍યાંથી હિઝરત થઈ છે તે વિસ્‍તારમાં પેટ્રોલીંગ વધારી દીધુ છે.

ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં બહારના લોકો ચાલ્‍યા જતા ઉદ્યોગોમાં કામકાજ અટકી ગયુ છે. સીઝન માટે ૨૦ ટકા પ્રોડકટશન ઘટી ગયુ છે. જો કે સુરત, કચ્‍છ, મોરબી, જામનગરને રાજકોટમાં ઉત્તર ભારતીયો પલાયન થયા નથી. ત્‍યાંના ઉદ્યોગોના કામને કોઈ અસર પડી નથી. કેટલાકે સુરક્ષા સ્‍વીકારી લીધી છે.

 

(9:57 am IST)
  • આલોકનાથને તેના પર લાગેલ બળાત્‍કારના આરોપ અંગે સિને એન્‍ડ ટીવી આર્ટીસ્‍ટ એસોસીએશને નોટીસ આપી જવાબ માંગ્‍યો access_time 3:40 pm IST

  • મહારાષ્ટ્રના દહાણુ અને ઘોલવડ નજીક શંકાસ્પદ ચાર બોટમાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાની ભારે ચર્ચા : પોલીસ દોડી : ચારેય બાજુ ચેકીંગ : પરંતુ કોઈની ધરપકડ કે ફાયરિંગ થયાની સત્તાવાર માહિતી મળતી નથી:સત્તાવાર માહિતી મેળવવા પ્રયાસ ચાલુ access_time 11:26 pm IST

  • અમદાવાદ : પીએફના બીલ પાસ કરાવવા માટે ૨૦૦૦ની લાંચ લેતો જુનિયર કલાર્ક રાજેશ આર. કનોજીયા એસીબીના છટકામાં સપડાયો access_time 12:56 pm IST