Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

યુપીના હાથરસ ગેંગરેપ હત્‍યા કેસમાં ધરપકડ કરાયેલ કેરળના પત્રકાર સિદ્દીકી કપ્‍પનને સુપ્રિમ કોર્ટે જામીન આપ્‍યા

આ અગાઉ સુપ્રિમ કોર્ટમાં યુપી સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હાથરસ ગેન્ગરેપ-હત્યા કેસમાં હિંસા ભડકાવવાનું ષડયંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરાયેલા કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને જામીન આપ્યા છે. કપ્પનની 2020માં હાથરસ જતા સમયે યૂપી પોલીસે ધરપકડ કરી હતી. યૂપી સરકારે કપ્પન વિરૂદ્ધ UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો.

યૂપી સરકારનું શું કહેવુ છે?

યૂપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કપ્પનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. યૂપી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ આપ્યુ હતુ, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશ વિરોધી એજન્ડા ચલાવનારા પીએફઆઇ જેવા ચરમપંથી સંગઠન સાથે કપ્પનના સબંધ રહ્યા છે. યૂપી સરકારે આરોપ લગાવ્યો હતો કે કપ્પન દેશમાં આતંકી અને ધાર્મિક હિંસા ભડકાવવાના ષડયંત્રમાં સામેલ હતો.

સિદ્દીકી કપ્પનનું કહેવુ હતુ કે તે ઓક્ટોબર 2020માં હાથરસમાં એક દલિત યુવતીના ગેન્ગરેપ અને હત્યા કેસમાં કવર કરવા જઇ રહ્યો હતો. યૂપી સરકારે કહ્યુ હતુ કે રમખાણમાં સામેલ રહેલા એક આરોપી સાથે કપ્પનની ધરપકડ કરવામાં આવી હતી. યૂપી સરકારનું કહેવુ છે કે કપ્પન હાથરસમાં પત્રકાર તરીકે નહી પણ પીએફઆઇ ડેલિગેશનના સભ્ય તરીકે જઇ રહ્યો હતો જે પીડિતાના પરિવારજનોને મળ્યા બાદ સાંપ્રદાયિક રમખાણ ભડકાવતો.

ઇલાહાબાદ હાઇકોર્ટ ફગાવી હતી જામીન અરજી

ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેંચે ગત મહિને કપ્પનની જામીન અરજી ફગાવી દીધી હતી. પીએફઆઇ સાથે સબંધ રાખનારા ચાર આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી અને યૂએપીએની કલમ હેઠળ કેસ દર્જ છે. કપ્પન વિરૂદ્ધ હાથરસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યૂપી પોલીસ અનુસાર, આરોપી કપ્પન હાથરસમાં કાયદો વ્યવસ્થા બગાડવા માંગતો હતો, જે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા સાથે કપ્પનના સબંધ ગણવામાં આવી રહ્યા છે, તેની પર પણ આ આરોપ લાગી ચુક્યો છે કે CAA વિરૂદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન માટે સંગઠને નાણા પોષણ કર્યુ હતુ.

(5:28 pm IST)