Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં મળી બ્રિટનની ગાદી : સાત દાયકા સુધી સંભાળી શાહી પરંપરા

મહારાણી એલિઝાબેથ ૧૯૬૧, ૧૯૮૩ અને ૧૯૯૭માં ભારતના પ્રવાસે આવ્‍યા હતા

લંડન તા. ૯ : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થઈ ગયું છે. ૯૬ વર્ષીય એલિઝાબેથ દ્વિતીયને તેમના સ્‍કોટલેન્‍ડના બોલ્‍મોરલ કેસલ સ્‍થિત આવાસ પર ડોક્‍ટરોની દેખરેખમાં રાખવામાં આવ્‍યા હતા. બકિંઘમ પેસેલ તરફથી ગુરૂવારે આ જાણકારી આપવામાં આવી છે. એલિઝાબેથ દ્વિતીય વિશે તમને જણાવી દઈએ કે તેઓ આશરે સાત દાયકાથી ક્‍વીન એલિઝાબેથ શાહી પરિવાર અને બ્રિટનની રાજનીતિને સંભાળી રહ્યાં હતા. આવો એલિઝાબેથ દ્વિતીયના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પર નજર કરીએ.
એલિઝાબેથ યોર્કના ડ્‍યૂક પ્રિન્‍સ અલ્‍બર્ટ અને તેમના પત્‍ની લેડી એલિઝાબેથ બોવેસ-લિયોનના પુત્રી હતા. એલિઝાબેથનો જન્‍મ ૨૧ એપ્રિલ ૧૯૨૬ના થયો હતો. ક્‍વીન એલિઝાબેથનું પૂરૂ નામ એલિઝાબેથ એલેક્‍ઝેન્‍ડરા મૈરી વિંડસર હતું. ક્‍વીને પોતાનો અભ્‍યાસ ઘર પર પૂરો કર્યો હતો. ૧૯૪૭માં તેમણે એક નૌસેના અધિકારી, લેફિટનેન્‍ટ ફિલિપ માઉન્‍ટેબેટન સાથે લગ્ન કર્યા હતા. ફિલિપ ગ્રીસના રાજકુમાર એન્‍ડ્રયૂના પુત્ર અને મહારાણી વિક્‍ટોરિયાના પ્રપૌત્ર હતા.
૧૯૪૮માં બંનેને એક પુત્ર થયો જેનું નામ પ્રિન્‍સ ચાર્લ્‍સ છે. ત્‍યારબાદ પુત્રીનો જન્‍મ થયો જે રાજકુમારી એની બન્‍યા. લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે ૧૯૫૨માં પ્રિન્‍સ ફિલિપ, પ્રિન્‍સેસ એલિઝાબેથ કેન્‍યાના પ્રવાસે ગયા હતા. પરંતુ કેન્‍યાના આ પ્રવાસ દરમિયાન તેમના જીવનમાં બધુ બદલાઈ ગયું. લાંબા સમયથી બીમાર ચાલી રહેલા એલિઝાબેથના પિતા કિંગ જોર્જનું નિધન થઈ ગયું. એલિઝાબેથ કેન્‍યામાં જ હતા.
પિતાના મોતના સમાચાર બાદ એલિઝાબેથ અને પ્રિન્‍સ ફિલિપ રજાઓ વચ્‍ચે રદ્દ કરી બ્રિટન માટે રવાના થયા હતા. પિતાના મોત બાદ તે સ્‍પષ્ટ થઈ ગયું કે બ્રિટનને હવે નવા મહારાણી મળવાના છે. ત્‍યારબાદ ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ના એલિઝાબેથ બ્રિટનના મહારાણી બન્‍યા, ૨ જૂન ૧૯૫૩ના તેમનો સત્તાવાર રીતે રાજયાભિષેક થયો હતો.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયની ઉંમર માત્ર ૨૫ વર્ષ હતી, જયારે તેમને બ્રિટનની ગાદી સોંપવામાં આવી. ત્‍યારથી લઈને આજ સુધી એટલે કે તે સાત દાયકા આ પદ પર હતા. બ્રિટનની સત્તા સંભાળનાર સૌથી મોટી ઉંમરના મહિલા હતા. બ્રિટનના મહારાણીએ ભારતનો પ્રવાસ પણ કર્યો છે. તે ત્રણ વખત ભારતમાં આવ્‍યા હતા.
મહારાણી એલિઝાબેથ ૧૯૬૧, ૧૯૮૩ અને ૧૯૯૭માં ભારતના પ્રવાસે આવ્‍યા હતા, પરંતુ ભારતની આઝાદીના આશરે ૧૫ વર્ષ બાદ તેમની પ્રથમ યાત્રા સૌથી શાનદાર હતી. ભારત પહોંચ્‍યા બાદ એલિઝાબેથ તે જગ્‍યાએ ગયા, જયાં મહાત્‍મા ગાંધીના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. ત્‍યાં પહોંચ્‍યા બાદ તેમણે પોતાના સેન્‍ડલ કાઢ્‍યા અને અંદર પ્રવેશ કર્યો હતો. તેમની સાથે પ્રિન્‍સ ફિલિપ પણ હતા.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયની ભારતની આ પ્રથમ શાહી યાત્રા હતી. તત્‍લાકીન ભારતીય રાષ્ટ્રપતિ રાજેન્‍દ્ર પ્રસાદ, પ્રધાનમંત્રી નેહરૂ અને ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્‍ણન પહેલાથી દિલ્‍હી એરપોર્ટ પર શાહી કપલના સ્‍વાગત માટે હાજર હતા. ભારતના પ્રવાસ બાદ મહારાણીએ નેપાળની પણ મુલાકાત લીધી હતી

 

(10:38 am IST)