Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

આફ્રિકાના રવાંડા દેશમાં બાળક દુર્લભ બીમારીનો શિકાર બન્યો

જન્મની સાથે જ બાળકને થઈ દુર્લભ બીમારીઃ પિતાએ 'રાક્ષસ' ગણાવી તરછોડ્યો

માતાએ પુત્રને બચાવવા માટે ઓનલાઈન અભિયાન શરૂ કર્યું અને આજે ૫૮ લાખથી પણ વધારે રૂપિયા એકત્ર થઈ ગયા છે

લંડન,તા.૯:દુનિયામાં આજે પણ એવી દુર્લભ બીમારીઓ જોવા મળે છે, જેને જાણીને રૃંવાડાં ઉભા થઈ જાય. આવી જ એક દુર્લભ બીમારીનો શિકાર બન્યો આફ્રિકાના દેશ રવાંડામાં રહેતો એક બાળક. બીમારીને કારણે જન્મની સાથે જ તેનું મોઢું ડરામણું થઈ ગયું અને કદરૂપો દેખાવા લાગ્યો. પુત્રને આ હાલતમાં જોઈને પિતા ડરી ગયા અને તેને 'રાક્ષસનો પુત્ર' ગણાવી છોડી દીધો. પણ કહેવાય છે ને કે, મા તે મા, દુનિયાની કોઈપણ પરિસ્થિતિમાં માતા પોતાના પુત્રને દયનીય હાલતમાં છોડી શકતી નથી. આ બાળકની માતા પણ પુત્ર માટે લડી રહી છે અને તેને બચાવવા માટે ઓનલાઈન અભિયાન ચલાવી રહી છે.

પિતા તરછોડીને જતાં રહેતાં હવે બાળક માટે માતા જ એકમાત્ર સહારો છે. બાળકની માતા બજેનેજા લિબેરાટા જન્મ બાદથી જ તેની દેખભાળ રાખી રહી છે. પુત્રને આ દુલર્ભ બીમારીને કારણે અનેક દુઃખોનો સામનો કરવો પડી રહ્યો છે. પણ માતા સતત તેની પડખે ઉભી રહી તેની સેવા કરી રહી છે. પુત્રની આ દુલર્ભ બીમારીમાં પણ ડોકટર પર કોઈ સારવાર કરી રહ્યા નથી. પણ પોતાના પુત્રને આ બીમારીથી બચાવવા માતા મક્કમ છે. અને તેણે પુત્રને બચાવવા માટે ઈન્ટરનેટ પર અભિયાન પણ ચલાવ્યું છે. અને આ અભિયાન હેઠળ અત્યાર સુધી લાખો રૂપિયા પણ જમા થઈ ગયા છે.

કળિયુગના આ જમાનામાં જયારે બાળકને પિતાની ખાસ જરૂર હતી, તે જ સમયે પિતા બાળકને તરછોડીને ભાગી ગયો હતો. તેણે કહ્યું કે, બાળકની જવાબદારી તેની નથી, એટલું જ નહીં, તેણે બાળકને રાક્ષસનો સંતાન ગણાવ્યો. દુઃખની આ દ્યડીમાં તેણે પોતાના બાળક અને પત્નીને છોડી દીધા.

જો કે, પતિએ તરછોડી દીધા બાદ માતા બાળક સાથે પોતાના ગામ પરત ફરી હતી અને બાળકની મદદ માટે ગો ફંડ મી પેજ બનાવ્યું હતું, જેથી લોકો દાન આપી શકે. બજેનેજા લિબેરાટા પોતાના બાળકની વિદેશમાં સારવાર કરાવવા માગે છે. અત્યાર સુધી આ પેજ પર ૫૮ લાખ રૂપિયા જમા થઈ ગયા છે. અને મોટી સંખ્યામાં લોકો બાળકની સારવાર માટે દાન કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર ફંડ આપનાર એક યુઝર્સે લખ્યું કે, એક મજબૂત ઈરાદાવાળી મહિલા, આશા છે કે, તેમનો પ્રેમ ફેલાશે અને ચમત્કાર થશે. તેમના પુત્રને દરેક જગ્યાએ જવું જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું કે, હું પ્રાથના કરું છું કે આ બાળકને જલ્દીથી સારવાર મળે અને દર્દથી મુકિત મળે. આ બાળક અને તેની માતા સર્વશ્રેષ્ઠનાં હકદાર છે. તો એક મહિલાએ લખ્યું કે, આ બાળકની પરિસ્થિતિ જોઈને મને રડવું આવી ગયું, તો અન્ય એક મહિલાએ બાળકની બીમારીનો દાવો કરતાં કહ્યું કે, બાળકને ‘Pfeiffer સિન્ડ્રોમ' છે. આ બીમારી ત્યારે થાય છે કે જયારે જન્મ પહેલાં જ બાળકના ખોપડી અને માથાના આકારને પ્રભાવિત કરે છે.

(10:18 am IST)