Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કરદાતાને સીપીસી તરફથી પ્રોફેશનલ્‍સને લાખોના વેરાની ડિમાન્‍ડ નોટીસો અપાઇ

મેઇલથી જાણ કરતા સીપીસીએ પહેલીવાર સ્‍પીડ પોસ્‍ટથી કરદાતાઓને નોટીસ પાઠવી : માફી પાત્ર આવકને ઇન્‍કમ ગણી નોટીસો પાઠવી : ઓનલાઇન ઓર્ડર ન દેખાતા જવાબ ફાઇલ કરી શકાતો નથી

નવી દિલ્‍હી,તા. ૯: આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ના ઇન્‍કમટેક્‍સ રિટર્નનું પ્રોસેસ કરતા સીપીસી બેન્‍ગ્‍લોર તરફથી વેરામાફી પાત્ર આવકને પણ આવક ગણી લઈને ઢગલાબંધ પ્રોફેશનલ્‍સને એટલે કે ડોક્‍ટર્સ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ,ટેકનિશિયન્‍સ, એન્‍જિનિયર્સ, આર્કિટેક્‍ટ્‍સને નોટીસો આપીને લાખોની ડિમાન્‍ડ કાઢી છે. સંખ્‍યાંબંધ પ્રોફેશનલ્‍સને નોટિસો મળવા માંડી છે. આ નોટિસ મેળવનારાઓમાં આવકવેરા ધારાની કલમ ૪૪ એબી હેઠળના અને ઓડિટને પાત્ર કરદાતાઓનો સમાવેશ થાય છે. બે કરોડથી વધારે રકમનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા અને રૂા. ૫૦ લાખથી વધુની રિસિપ્‍ટ ધરાવતા પ્રોફેશનલ્‍સને આ નોટિસો અપાઈ છે.

સીપીસીએ ઓડિટ કરતી વખતે કોલમ નંબર ૧૬ ડીમાં કરદાતાએ દર્શાવેલી માફી પાત્ર આવકને વાસ્‍તવિક આવક ગણી લીધી હોવાથી મોટાભાગના કરદાતાઓને નોટિસ મળી છે. કોલમ ૧૬ ડીમાં અન્‍ય આવકો દર્શાવવાની હોય છે. એક્‍ઝમ્‍પ્‍ટેડ ઈન્‍કમ કે પછી ઇન્‍કમ ફ્રોમ અધર સોર્સિસ કોલમ ૧૬ ડીમાં દર્શાવવાની હોય છે. તેમાં પબ્‍લિક પ્રોવિડન્‍ટ ફંડના વ્‍યાજની આવક જેવી બિનવેરાપાત્ર આવક દર્શાવવામાં આવે છે.

આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ના રિટર્ન પ્રોસેસ કરતી વેળાએ માફી પાત્ર આવકને એડજસ્‍ટમેન્‍ટ ઓફ ઇન્‍કમ ગણી લીધી હોવાનું જણાય છે. આ ભૂલ કીને તેમણે કરદાતાનો લાખો રૂપિયાની ડિમાન્‍ડ નોટિસ આપી છે. પરિણામે કરદાતાઓની વેરો ભરવાની જવાબદારી વધી ગઈ છે અને રિફંડ મળવાના અટકી ગયા છે.

નોટિસ મળ્‍યા પછી કરદાતાઓએ ભૂલ સુધારણા માટે કલમ ૧૫૪ હેઠળ અરજી કરવાની હોય છે. આ માટે કરદાતાઓ આવકવેરા ખાતાના પોર્ટલ પર લોગ ઇન થઈને કલમ ૧૪૩(૧)નો ઓર્ડર જોઈને તેનો પ્રતિભાવ આપવાનો હોય છે. પરંતુ નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે કરદાતા આવકવેરાના પોર્ટલ પર કલમ ૧૪૩(૧)ના ઓર્ડર દેખાતા જ નથી. આવકવેરાના પોર્ટલ પર કરદાતાનું રિટર્ન પ્રોસેસમાં હોવાનું જ માત્ર દર્શાવવામાં આવે છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં જે કરદાતાઓને નોટિસ મળી છે તે કરદાતાઓના ઓર્ડર આજની તારીખે પણ દેખાતા નથી. વાસ્‍તવમાં  આ ઓર્ડર ઓન ધ સ્‍પોટ દેખાવા જોઈએ. ઓર્ડર દેખાતા ન હોવાથી કરદાતાઓ તેમને મળેલી નોટિસનો જવાબ પણ આપી શકતા નથી.

સૌથી વધુ નવાઈ પામે તેવી બાબત તો એ છે કે સામાન્‍ય રીતે માત્ર ઈ-મેઈલ કરીને નોટિસ આપતી આવકવેરા કચેરીએ આ વખતે પહેલીવાર સ્‍પીડપોસ્‍ટથી કરદાતાઓને નોટિસ પાઠવી છે. આ અગાઉ કરદાતાને સાદી પોસ્‍ટમાં પણ નોટિસો પાઠવી ન હોવાનું ટેક્‍સેસનના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે. તેમનું કહેવું છે કે આવકવેરા ખાતાએ ઘણાં કરદાતાઓને પેનલ્‍ટીની નોટિસ આપી છે. આ પેનલ્‍ટી એસેસમેન્‍ટના હિયરિંગના સંદર્ભમાં કે પછી સ્‍ક્રૂટિનીના સંદર્ભમાં આપવામાં આવી છે. પરંતુ તેના જવાબ ફાઈલ કરવા માટે કોઈ જ વ્‍યવસ્‍થા પોર્ટલ પર નથી. કરદાતા જવાબ ફાઈલ કરે ત્‍યારે આવકવેરા અધિકારીઓને તેમના જવાબ જોવા મળતા નથી. પરિણામે આવકવેરા અધિકારીઓ તેમને મળવા માટે રૂબરૂ બોલાવે છે. પરિણામે ફેસલેસ એસેસમેન્‍ટની સિસ્‍ટમનો ફિયાસ્‍કો થઈ રહ્યો છે.

(12:16 pm IST)