Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અયોધ્યા કેસની સુનાવણી દરરોજ રાખવા સામે રાજીવ ધવનનો વાંધો ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : સોમવારથી શુક્રવાર સુધીના સપ્તાહના પાંચે દિવસ સુનાવણી થશે

નવી દિલ્હી, તા.૯: અયોધ્યા કેસમાં સુન્ની વકફ બોર્ડે સપ્તાહમાં ૫ દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્ત્િ। વ્યકત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યકત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શકય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે.

રાજીવ ધવને કહ્યું કે અમારે દસ્તાવેજો ઉર્દૂમાંથી અંગ્રેજીમાં કરવાના છે અને આખો દિવસ દલીલો કર્યા બાદ તે કરવું શકય નથી. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે તમારી દલીલો અને આપત્ત્િઓને સાંભળી છે. અમે તેના પર વિચાર કરીશું અને જલદી તેના પર જવાબ આપીશું.

આવું પહેલીવાર બન્યું છે કે જયારે બંધારણીય બેન્ચ કોઈ કેસની સપ્તાહમાં પાંચેય દિવસ સુનાવણી કરશે. પરંપરા મુજબ બંધારણીય બેન્ચ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર સુનાવણી હાથ ધરે છે. જો કે હવે સુપ્રીમ કોર્ટે આ કેસની દરેક વર્કિંગ ડે પર સુનાવણી કરવાનું કહ્યું છે.

કોર્ટનું માનવું છે કે તેનાથી બંને પક્ષોના વકીલોને પોતાની દલીલો રજુ કરવાનો સમય મળશે અને જલદી તેના પર ચુકાદો આવી શકશે. ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ, અને એસ.અબ્દુલ નઝીરની બેન્ચે વકીલોને ત્યારે એકદમ સ્તબ્ધ કરી દીધા જયારે તેમણે કહ્યું કે તેઓ આ કેસની રોજેરોજ સુનાવણી હાથ ધરશે.

અત્યાર સુધી બંધારણીય બેન્ચ મહત્વપૂર્ણ મામલાની સુનાવણી મંગળવાર, બુધવાર અને ગુરુવારે કરતી આવી છે. આ ઉપરાંત સોમવાર અને શુક્રવારના રોજ નવા કેસો માટે સુરક્ષિત રાખવામાં આવતા હતાં. પરંપરાથી હટીને સપ્તાહમાં ૫ દિવસ સુનાવણીથી સ્પષ્ટ છે કે બંધારણીય બેન્ચ આ મામલાને પ્રાથમિકતા આપી રહી છે. જજોએ નિર્ણય કર્યો છેકે તેમણે આ કેસ પર ફોકસ રાખવું જોઈએ જેનો રેકોર્ડ ૨૦,૦૦૦ પન્નાઓમાં નોંધાયેલો છે.

(6:48 pm IST)